રાજ્યમાં ઉત્સકૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓને મુખ્યમંત્રીના હસ્તે મેડલ આપી સન્માનીત કરવામાં આવ્યા હતાં. જેમાં જામનગરના ડીવાયએસપી, એએસઆઇ તથા દ્વારકાના પીએસઆઇ સહિત રાજ્યના 118 જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓને સન્માનીત કરાયા હતાં.
પોલીસ અકાદમી ગાંધીનગર ખાતે રાજ્યભરમાં ઉત્સકૃષ્ટ સેવા કરનાર પોલીસ અધિકારીઓ-કર્મચારીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની અઘ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. અને પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને મેડલ આપી સન્માન કરાયા હતાં. જેમાં જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક રાજેન્દ્રકુમાર દેવધાને મુખ્યમંત્રીના હસ્તે ચંદ્રક એનાયત કરાયું હતું. આ ઉપરાંત જામનગર સીટી એ ડિવિઝનના એએસઆઇ બસીરભાઇ મલેકને પણ સન્માનીત કરાયા હતાં. જામનગરના પોલીસ અધિકારીઓના સન્માનથી પોલીસબેડામાં હર્ષની લાગણી છવાઇ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એલ.સી.બી. પી.એસ.આઈ.ને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે રાષ્ટ્રપતિ પદક સાંપળ્યો છે. જિલ્લાના એકમાત્ર અધિકારીને આ નોંધપાત્ર એવોર્ડ પ્રાપ્ત થતાં એલસીબી સાથે જિલ્લા પોલીસનું પણ ગૌરવ વધ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક પણ શાખામાં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા ધંધુકા તાલુકાના જીંજર ગામના મૂળ વતની ભાર્ગવભાઈ દેવમુરારીની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. આને અનુલક્ષીને શનિવારે પોલીસ અકાદમી- કરાઈ, ગાંધીનગર ખાતે યોજવામાં આવેલા પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહના ખાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીને રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2023 ના આ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનારા જિલ્લાના એકમાત્ર પોલીસ અધિકારી બી.એમ. દેવમુરારીએ એવોર્ડ હાંસલ કરતા તેમણે એલસીબી વિભાગ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસનું પણ ગૌરવ વધાર્યું છે.


