Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરશેરીના કૂતરાં રમાડવાની બાબતે બે પરિવાર વચ્ચે બઘડાટી

શેરીના કૂતરાં રમાડવાની બાબતે બે પરિવાર વચ્ચે બઘડાટી

તલવાર, પાઇપ, ધોકા વડે હુમલો : સામસામા કરાયેલા હુમલામાં અડધો ડઝન ઘવાયા : જી. જી. હોસ્પિટલમાં ખસેડાયા : સ્થળ પર પોલીસ બંદોબસ્ત

જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મધ્યરાત્રિના સમયે શેરીના કૂતરાં રમાડવા જેવી સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે ધોકા, તલવાર અને પાઇપ જેવા હથિયારો વડે સામસામા થયેલા હુમલામાં 6 જેટલા વ્યકિતઓને ઇજા પહોંચતા જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરના 59-દિ. પ્લોટ વિસ્તારમાં રહેતા કમલેશભાઇ હીરાનંદ મંગે નામના યુવાનના સગીર પુત્રને શેરીના કૂતરાંઓને રમાડવાની બાબતનો ખાર રાખી ગત્ મધ્યરાત્રિના સમયે રમેશ દામા સહિતના પરિવારજનોએ બોલાચાલી અને ગાળાગાળી કરી તલવાર, ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે ધસી આવ્યા હતા. મંગે પરિવાર ઉપર આડેધડ હુમલો કરતાં હુમલામાં 6 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. મઘ્યરાત્રિના બોલેલી બઘડાટીમાં સામાપક્ષે પણ મંગે પરિવાર દ્વારા હુમલો કરાતાં બે જેટલા વ્યકિતઓને શરીરે ઇજા પહોંચી હતી. સામસામા કરાયેલા સશસ્ત્ર હુમલામાં બન્ને પક્ષના ઘવાયેલા કનૈયાલાલ હીરાનંદ મંગે, કમલેશ હીરાનંદ મંગે, સમીર કમલેશ મંગે, નિમેશ કમલેશ મંગે, નિતેશ રમેશ દામા, હિમત રમેશ દામા નામના 6 સહિતના શખ્સોને ઇજાગ્રસ્ત હાલતમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સામસામા કરાયેલા હુમલા તથા બઘડાટીના બનાવની જાણ થતાં પીઆઇ નિકુંજસિંહ ચાવડા તથા સ્ટાફ તાત્કાલિક સ્થળ તેમજ હોસ્પિટલે દોડી ગયો હતો. બન્ને પક્ષના નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી. સ્થળ પર પહોંચી જઇ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular