કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે પાલિકાના પ્રમુખ તરીકે ફરજ બજાવતા મહિલાના પુત્ર દ્વારા પોતાના પત્ની ઉપર છરી વડે ઘાતક હુમલો કરતા તેણીને ગંભીર ઈજાઓ પામી છે. આ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રાણા રાજશીભાઈ જમોડ નામના યુવાન દ્વારા તેમના પત્ની લક્ષ્મીબેન (ઉ.વ. 40) સાથે અવારનવાર ઝઘડો કરવામાં આવતો હતો. એટલું જ નહીં, આરોપી દ્વારા પોતાના પત્નીને બિભત્સ ગાળો આપતા તેણીએ ગાળો બોલવાની ના કહી હતી. આથી ઉશ્કેરાયેલા રાણાભાઈએ પોતાના પત્નીને મારી નાખવાના ઈરાદાથી પોતાની પાસે રહેલી છરીના આડેધડ ઘા લક્ષ્મીબેનને ઝીંકી દીધા હતા. આ હુમલાના કારણે લોહીલોહાણ બની ગયેલા લક્ષ્મીબેનને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના સંદર્ભે લક્ષ્મીબેનના નાનાભાઈ નિલેશભાઈ કારૂભાઈ વાઘેલાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે રાણાભાઈ રામશીભાઈ જમોડ સામે ભારતીય ન્યાય સંહિતા અને જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ આગળની તપાસ પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા હાથ કરવામાં આવી છે. આ બનાવે રાવલ પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.


