દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના મંદિરમાં દર્શન કરવા આવેલા અમદાવાદના એક શખ્સે ફરજ પર રહેલાં પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી ઉઝરડાં પાડી દીધાં હતાં. તેમજ પોલીસકર્મીને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.
આ બનાવની મળતી વિગત પ્રમાણે દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર સુરક્ષામાં ફરજ પર રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગીરુભા રઘુભા જાડેજા રવિવારે બપોરે દ્વારકાધીશ મંદિર ખાતે તેમની ફરજ પર હતા ત્યારે અમદાવાદનો હરિન દિવ્યાંકભાઈ પંડ્યા નામનો શખ્સ મંદિરના એક્ઝીટ ખાતેથી મંદિરમાં દર્શન કરવા માટેનું તેમને કહેતા ફરજ પર રહેલા પોલીસ કર્મી ગીરુભા જાડેજાએ તેમને અંદર જતા અટકાવ્યા હતા.
આનાથી ઉશ્કેરાયેલા હરિન પંડ્યાએ પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરી અને ગાળો ભાંડી હતી. આટલું જ નહીં, તેમનો કોલર પકડીને ગળું પણ પકડી ઉઝરડાઓ કર્યા હતા. આ ઉપરાંત આરોપીએ પોલીસ જવાનને બહાર નીકળશે તો જોઈ લેવાની તેમજ વર્દી ઉતરાવી દઈ અને સસ્પેન્ડ કરાવવાની પણ ધમકી ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ રીતે આરોપી શખ્સ દ્વારા લોકોની ઉપસ્થિતિમાં પોલીસની છાપ ખરડાય તેવું અશોભનીય વર્તન કરવા સબબ દ્વારકા પોલીસે તેની સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. પી.કે. ડાંગર દ્વારા હાથ ધરવામાં આવી છે.


