રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હોય કેટલાંક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોય માછીમારોને પણ આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ સૌથી વધુ નડિયાદમાં 10.43 ઈંચ વરસાદ નોંધાયો હતો. હાલ ગુજરાતમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોય રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકયો છે ત્યારે છેલ્લાં 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ખેડાના નડિયાદમાં 10.43 ઈંચ વરસાદ નોંધાયો છે. તો અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં અમદાવાદના દસ્ક્રોઇમાં 10.35 ઈંચ, મહેમદાબાદ 9.37 ઈંચ, માતરમાં 8.03 ઈંચ, મહુધામાં 7.05 ઈંચ, વાસોમા 6.22 ઈંચ, કઠલાલમાં 5.31 ઈંચ, ઉમરેઠમાં 5.25 ઈંચ, સાણંદમાં 9.46 ઈંચ અને ખેડામાં 4.96 ઈંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પણ કેટલાંક જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ તો અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મધ, સુરત, નવસારી, વલસાડમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલે સાબરકાંઠા, વલસાડ, નવસારી, અરવલ્લી, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડયો જેના કારણે ખેડા અને અમદાવાદ જેવા વિવિધ જિલ્લાઓમાં સામાન્ય જનજીવન ખોરવાયું હતું ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગાંધીનગરમાં રાજ્ય કટોકટી નિયંત્રણ કેન્દ્ર ખાતે બેઠક યોજી અને પરિસ્થિતિઓનો તાગ મેળવ્યો હતો.


