હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં પ્રકૃતિનું પણ એટલું જ મહત્વ અપાયું છે ત્યારે અષાઢ વદ અમાસને હરિયાળી અમાસ કહેવામાં આવે છે. આજથી શ્રાવણ માસની શુભ શરૂઆત થાય છે આજના દિવસે વૃક્ષોની પુજા થાય છે વૃક્ષો વાવવામાં આવે છે તેમજ પિતૃઓની શાંતિ માટે પિંડદાનનું પણ ખૂબ મહત્વ છે આપણી સંસ્કૃતિના દરેક તહેવારો અને ઉત્સવો કે વ્રત પાછળ ધાર્મિકની સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ જોડાયેલું છે.
હિન્દુ પરંપરામાં શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે આ મહિનામાં ભગવાન શિવની પુજા અને ભક્તિનું વિશેષ મહત્વ છે. આ ઋતુમાં કુદરતી વાતાવણ એક અલગ જ સુંદરતાથી ભરેલું હોય છે આ સમયે ચોમાસુ તેની ચરમસીમાએ હોય છે ચારે બાજુ હરિયાળીનો સમુદ્ર જેવો નજારો જોવા મળે છે ત્યારે ભારતમાં આ તહેવાર પ્રકૃતિ અને પર્યાવરણ સંરક્ષણના પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે. હરિયાળી અમાસના દિવસે વૃક્ષ અને છોડને રોપવાનું કાર્ય કરવામાં આવે છે. જેનાથી પર્યાવરણ શુધ્ધ થાય છે. ધરતી હરીભરી થાય છે. વૃક્ષ છોડમાં અનંત શક્તિઓ છે જે પ્રકૃતિનો અનુપમ ઉપહાર છે. જેનાથી બધાને શુધ્ધ ઓક્સિજન પ્રાપ્ત થાય છે.
હિન્દુ ધર્મમાં એવું કહેવામાં આવે છે કે, પીપળાનું વૃક્ષ લગાવવાથી મનુષ્યને સેંકડો યજ્ઞ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. શમીના વૃક્ષથી શરીર નિરોગી રહે, અશોકનું વૃક્ષ લગાવવાથી બિમારી દૂર થાય છે. આજે વિશ્વ આખાને ગ્લોબલ વોર્મિંગ થી બચાવવા વૃક્ષો ખૂબ જરૂરી છે. તેથી હિન્દુ ધર્મમાં અમાસના દિવસે પૃથ્વીને હરીભરી બનાવવાનો સંકલ્પ લેવામાં આવે છે તો અમાસના પિૃતઓને પ્રસન્ન રાખવા માટે હવન પુજા અને શ્રાધ્ધ તર્પણ પણ કરવામાં આવે છે. તેમજ આજે વિવિધ મંદિરોમાં ભગવાનને હિંડોળાના દર્શનમાં હરિયાળી થીમ પર શણગાર કરવામાં આવે છે અને મોટાભાગના મંદિરોમાં વૃક્ષો, પાણી, ઝરણા, નાવ સહિતની વન્ય પ્રકૃતિ આધારિત શણગારના દર્શન કરવામાં આવે છે.


