કાલાવડ મામલતદાર કચેરીમાં સમાજ સુરક્ષા ખાતા હેઠળ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા આઉટસોર્સ કર્મચારીએ તેની ફરજ દરમ્યાન લાંબા સમયથી સહાય બંધ થઇ હોય તેવા 16 ખાતેદારોના ખાતામાં મામલતદારની આઇડી અને પાસવર્ડનો ઉપયોગ કરી રૂા. 9.54 લાખની છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
છેતરપિંડીના બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના મછલીવડ ગામમાં રહેતો ધ્રુવરાજસિંહ જીવુભા જાડેજા કાલાવડ મામલતદાર કચેરીમાં સમાજ સુરક્ષા ખાતા હેઠળ આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર કર્મચારી તરીકે આઠ વર્ષથી ફરજ બજાવે છે. તેની ફરજ દરમિયાન લાંબા સમયથી જેમની સહાય બંધ થયેલ હોય તેની જાણકારીના આધારે કર્મચારીએ મામલતદારની જાણ બહાર તેની આઇડી અને પાસવર્ડનો ઉપયોગ કરી સમાજ સુરક્ષા ખાતાની યોજનામાં કુલ 16 લાભાર્થીઓના ખાતા રી-ઇનિસિયેટ કરી લાગતા વળગતાના ખાતા નંબર નાખી સહાયની રૂા. 9,54,500ની રકમ મેળવી ઉચાપાત કરી હતી. આ કર્મચારીએ ફરજમાં ગેરરીતિ દાખવી અન્ય ખાતેદારોના નંબર નાખી ખોટા રેકર્ડ બનાવી, સાચા તરીકે ઉપયોગ કરી સરકારી નાણાની ઉચાપાત કરી હતી. આ સમગ્ર પ્રકરણ ઘ્યાને આવતાં કાલાવડના મામલતદાર મહેશભાઇ બાબુભાઇ કમેજડિયા દ્વારા ધ્રુવરાજસિંહ વિરૂઘ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ એન. વી. આંબલિયા તથા સ્ટાફએ છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


