લાલપુર તાલુકાના રીંઝપર ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે લાલપુર પોલીસે રેઇડ દરમિયાન સાત શખ્સોને રૂા. 1,95,700ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જામનગર શહેરના સરદાર પટેલ સોસાયટીમાં તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને રૂા. 11,240ની રોકડ સાથે ઝડપી લીધા હતા. લાલપુર તાલુકાના મુરીલા ગામમાંથી જુગાર રમતાં 6 શખ્સોને પોલીસે રૂા. 2880ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા. મેઘપર નજીકથી જુગાર રમતાં બે શખ્સોને રૂા. 550ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગારના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો લાલપુર તાલુકાના રીંઝપર ગામમાં આવેલા 66 કેવી સબ સ્ટેશન પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે રેઇડ દરમ્યાન દિલીપ રાજશી વશરા, દેશુર સોમાત ડાંગર, રાજેશ લવજી વિરાણી, ઇસ્માઇલ હાજી બલોચ, સુરેશ નારણ રાઠોડ, હિતેશ ભાણજી નકુમ, અરજણ નાથા વશરા નામના સાત શખ્સોને રૂા. 1,20,700ની રોકડ રકમ તથા રૂા. 65 હજારની કિંમતની જીજે01-કેએ-3211 નંબરની અલ્ટો કાર, રૂા. 10 હજારની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂપિયા 1,95,700ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગર શહેરની સરદાર પટેલ સોસાયટીની શેરી નંબર બેમાં આવેલા મંગલમ્ એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં બહાદુરસિંહ રામસિંહ જાડેજા, દિલ્પેશ પ્રાણલાલ એડાવ, હેમંત ગોવિંદ રાઠોડ, ભગવાનજી મૂળજી સુમરિયા, રાજેશ રતિલાલ શાહ, દિનેશ જમન ડાભી, વિનોદ ગોવિંદ રાઠોડ નામના સાત શખ્સોને પોલીસે રૂા. 11,240ની રોકડ રકમ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.
ત્રીજો દરોડો લાલપુર તાલુકાના મુરીલા ગામમાં ગૌશાળાવાસ પાસેથી જાહેરમાં જુગાર રમતાં બાબુ માંડણ આયડી, જેઠા માંડણ આયડી, જીવણ ભીમા ધુલિયા, ગાંગજી રામજી માતંગ, સવજી જેઠા આયડી, શૈલેષ નાજા ખરા નામના 6 શખ્સને લાલપુર પોલીસે રૂા. 2880ની રોકડ અને ગંજીપન્ના સાથે ઝડપી લીધા હતા. ચોથો દરોડો જામનગર જિલ્લાના પડાણા ગામના ગેટ સામે તીનપત્તી રમતા અજય નાથા ચાનપા અને મુકેશ મોતી વાજા નામના બે શખ્સોને મેઘપર પોલીસે રૂા. 550ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લીધાં હતાં.


