જામનગર જિલ્લામાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ભવિષ્યમાં કોઈપણ અકસ્માત કે દુર્ઘટનાને ટાળવા માટે ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગની ડિઝાઇન સર્કલની ટીમ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ટીમ હાલ જિલ્લામાં આવેલા વિવિધ પુલો તથા સ્ટ્રક્ચરોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી રહી છે.
આ નિરીક્ષણ અભિયાન આગામી એક સપ્તાહ સુધી ચાલશે, જેમાં ટીમ જામનગરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા પુલોનું વિસ્તૃત નિરીક્ષણ અને ઇન્સ્પેક્શન કરશે. પ્રથમ તબક્કામાં, ધ્રોલ-જોડિયા-જાંબુડા પાટિયા રોડ પરના વિવિધ પુલોની ચકાસણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત તેમની મજબૂતાઈ, માળખાકીય મજબૂતી અને સુરક્ષા ધોરણોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં જામનગર માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર વિજય ગૌસ્વામી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ગાંધીનગરની ટીમ સાથે જોડાયા હતા.


