સમગ્ર ભારતમાં ચોમાસાનો પ્રચંડ પ્રહાર વરસી રહ્યો છે અને ઠેર-ઠેર ગાજવીજ સાથે વરસાદ અને વિજળી પડવાના કિસ્સાઓ પણ જોવા મળી રહ્યા છે જ્યારે ઉત્તર પ્રદેશમાં વિજળી પડવાથી 13ના મૃત્યુ જ્યારે મહારાષ્ટ્રમાં 9ના મૃત્યુ નિપજ્યા છે તો કેરળમાં પણ ભારે વરસાદના પગલે સ્થિતિ બગડી રહી છે અને કેટલાય જિલ્લાઓમાં સ્કૂલ-કોલેજોને પણ બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ હવે ચોમાસુ જામી રહ્યું છે.
ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ ચૂકયુ છે. રાજ્યમાં છેલલાં 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ડભોઇમાં 6 ઈંચ, સંખેડામાં પાંચ ઈંચ, ઉમરપાડામાં 3.5 ઈંચ, ઉમરગામમાં 3.5 ઈંચ, આહવામાં 3.5, સિંહોરમાં 3 ઈંચ, પાલનપુરમાં 2.8 ઈંચ, માંગરોળમાં 2.2 ઈંચ નોંધાયો છે. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદાના સ્થળો પર ભારે વરસાદને લઇને યલો એલર્ટ જાહેર કરાયું છે.
જ્યારે આવતીકાલના ભાવનગરમાં ઓરેન્જ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, દેવભુમિ દ્વારકા, અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
આમ, દેશના પશ્ર્ચિમ કિનારા પર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે દિલ્હી, હરિયાણા, પંજાબ અને ગુજરાતમાં આગામી બે દિવસ સુધી ભારે પવન સાથે વાવાઝોડાની શકયતાઓ ભારત મોસમ વિજ્ઞાન વિભાગે જણાવી છે.


