જામનગર શહેરના રણજિતસાગર રોડ પર આવેલા વિસ્તારમાં રહેતાં મહિલાએ રૂપિયાની જરૂરિયાતના કારણે 10 ટકાના ઉંચા વ્યાજે 6.50 લાખ લીધા હતા. જે પેટે રૂપિયા 2 લાખ ચૂકવી દીધાં હતાં. ત્યારબાદ વ્યાજખોરોએ રૂપિયા 4 લાખનો ચેક રિટર્ન કરી બે વ્યાજખોર દ્વારા મહિલા પાસે રૂપિયાની ઉઘરાણી કરી ચેક રીટર્ન કરવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના રણજિતસાગર રોડ પરના વૃંદાવન પાર્કની શેરી નંબર 3માં રહેતાં વેપારી રાધિકાબેન વિજયભાઇ લાખાણી (ઉ.વ.32) નામના મહિલાએ હિતેન લોકચંદ સામનાણીને કહેતાં તેણે અજય વિજય સોલંકી પાસેથી રૂા. 6.50 લાખ બે કટકે 10 ટકા ઉંચા વ્યાજે અપાવ્યા હતા અને આ રકમ પેટે ધી જામનગર મહિલા સહકારી બેન્ક લિમિટેડના ખાતા નંબર 003100701004નો ચેક નંબર 110976 સહી કરીને કોરો આપ્યો હતો. તેમજ કોટક મહિન્દ્રા બેન્કના ત્રણ કોરા ચેક સહી કરીને આપ્યા હતા અને અત્યાર સુધીમાં કટકે કટકે રૂપિયા 2 લાખ ચૂકવી દીધાં હતાં. તેમ છતાં બન્ને વ્યાજખોરોએ મળીને મહિલા પાસે પઠાણી ઉઘરાણી કરીને 4 લાખની રકમનો ચેક રીટર્ન કરાવી નેગોસીએબલની ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે, ‘જો પૈસા નહીં આપો તો, બીજો ચેક પણ રીટર્ન કરાવીશ.’ તેવી ધમકી આપી હતી.


