જામનગર શહેરના ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીમાં જાગૃત નાગરિક વિરૂઘ્ધ થયેલી અરજીની તપાસ દરમ્યાન હેરાન ન થવું અને લોકઅપમાં નહીં બેસાડી તાત્કાલિક મામલતદાર કચેરીમાં રજૂ કરવા માટે અવેજ પેટે રૂપિયા આઠ હજારની લાંચ લેતા એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલને જામનગર એસીબીની ટીમે રંગેહાથ દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં સિટી ‘એ’ ડિવિઝનના વિસ્તારમાં આવેલી ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીમાં જાગૃત નાગરિક વિરૂઘ્ધ અરજી કરવામાં આવી હતી. આ અરજીની તપાસ એએસઆઇ યુવરાજસિંહ જગદિશસિંહ ગોહિલ (ઉ.વ.41) નામના પોલીસ કર્મચારીએ જાગૃત નાગરિકને તપાસ દરમ્યાન હેરાન ન થવું પડે અને લોકઅપમાં બેસવું ન પડે તેમજ તાત્કાલિક મામલતદાર કચેરીમાં રજૂ કરી દેવાના અવેજ પેટે રૂા. 10 હજારની લાંચની માંગણી કરી હતી. આ રકમ હે.કો. પુષ્પરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજાને આપી દેવાનું જણાવ્યું હતું. જેથી હે.કો. પુષ્પરાજસિંહએ જાગૃત નાગરિકની ગત્ તા. 19ના રોજ અટક કરી મામલતદાર કચેરીમાં રજૂ કરાવવા જતા હતા ત્યારે રૂપિયા દસ હજારની માંગણી કરતાં જાગૃત નાગરિક પાસે રૂપિયા બે હજાર હતાં. જે આપી દીધા હતા અને ત્યારબાદ બાકીના રૂા. આઠ હજાર ફોન કરીને આપી દેવા જણાવ્યું હતું.
ત્યારબાદ જાગૃત નાગરિક આ લાંચની રકમ આપવા માંગતો ન હોય તેથી તેણે એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે રાજકોટ એસીબી ઇન્ચાર્જ મદદનિશ નિયામક જે. એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી પીઆઇ આર. એન. વિરાણી તથા સ્ટાફે છટકું ગોઠવ્યું હતું અને બુધવારે સાંજે ખંભાળિયા ગેઇટ પોલીસચોકીમાં બાકીના આઠ હજાર રૂપિયા આપવા જાગૃત નાગરિક ગયા ત્યારે એએસઆઇએ આ રૂપિયા હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહને આપી દેવાનું કહ્યું હતું. ત્યારબાદ આઠ હજારની રકમ પુષ્પરાજસિંહને આપી હતી. તે સમયે જ એસીબીની ટીમએ હે.કો. પુષ્પરાજસિંહ અને એઅસઆઇ યુવરાજસિંહ બન્નેને રંગેહાથ ઝડપી લઇ ધરપકડ કરી હતી.


