ભારતીય દરિયાઇ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે જામનગર જિલ્લામાં આવેલા મરીન પાર્ક અને ખીજડિયા બર્ડ સેન્ચુરીને જોખમરૂપ એવા આશરે દસ વર્ષથી ખડકાયેલા સાત ધાર્મિક દબાણો પોલીસ અધિક્ષકના નેજા હેઠળ રાત્રિ દરમ્યાન તોડી પાડવામાં આવ્યા હતા. પોલીસે 15 હજાર સ્કવેર ફુટ જગ્યા ખુલી કરી હતી.
ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા હાલાર પંથકમાં દરિયાકિનારાનો અનેક વખત ગેરકાયદેસર ઉપયોગ થયો હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે. તેમજ આ દરિયાકિનારેથી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા ત્રિસ્તરીય પેટ્રોલિંગ હાથ ધરી હાલારના દરિયાકિનારાની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી દેવામાં આવી છે. પરંતુ જામનગર જિલ્લાના દરિયાકિનારે આવેલા મરીન પાર્ક અને ખીજડિયા બર્ડ સેન્ચુરીની બાયોડાયવર્ડ સિટી તથા લાખ્ખોની સંખ્યામાં રહેલા મેંગરુસને જોખમરૂપ થતાં એવા સાત ધાર્મિક દબાણો દસ વર્ષથી ખડકી દેવામાં આવ્યા હતા. દરિયાઇ કિનારો સુરક્ષારૂપ બનાવવા માટે ગત્ રાત્રિના સમયે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના નેજા હેઠળ ફોરેસ્ટ વિભાગ સાથે સંયુક્ત ડીમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ અને ફોેરેસ્ટ વિભાગે ગત્ રાત્રિના સમયે દરિયાઇ વિસ્તારમાં ખડકાયેલા 15 હજાર સ્કવેર ફુટમાં 9 હજાર સ્કે. ફુટમાં બાંધકામ કરેલા સાત ધાર્મિક દબાણો તોડી પાડવા માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ફોરેસ્ટ વિભાગ સાથે રહી આ ડીમોલીશન કામગીરી ગુપ્ત રીતે સફળતાપૂર્વક પૂર્ણ કરી 15 હજાર ફુટ જગ્યા ખુલી કરવામાં આવી હતી.


