Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરડોકટર તો અમારા માટે ભગવાન સ્વરૂપ છે : જોડિયા ગ્રામજનો

ડોકટર તો અમારા માટે ભગવાન સ્વરૂપ છે : જોડિયા ગ્રામજનો

કલાસ-1 અધિકારી તરીકે પ્રમોશન બાદ ડૉ. આનંદ જયસ્વાલને જામનગર જિલ્લા આયુર્વેદ અધિકારી તરીકે મૂકાયા હતા : ગ્રામજનોની રજૂઆત અને સાંસદ સહિતનાના સહિયારા પ્રયાસથી ફરી જોડિયા મૂકાયા

કલાસ-1 તરીકે ફરજ બજાનવાર અધિકારીઓની સામાન્ય રીતે બે-ચાર માસના ટૂંકા ગાળામાં બદલીઓ થતી નથી. પરંતુ લોકોની માંગણીને લઇ કલાસ વન અધિકારીની બદલી કરી લોકો સ્વેચ્છાએ તેમની લોકચાહનાને લઇ અધિકારીને ફરીથી પોતાના એટલે કે લોકોના જરૂરિયાતના સ્થળે પરત લાવ્યા હોય તેઓ કિસ્સો જોવા મળ્યો છે. જોડિયામાં આયુર્વેદ અધિકારી તરીકે ફરજ બજાવનાર અધિકારીની જામનગર જિલ્લા આયુર્વેદ અધિકારી તરીકે બદલી થયા બાદ ફરીથી ગ્રામજનોની માંગણી અને અધિકારીની લોકચાહનાને લઇ તેઓને ફરી વખત જોડિયા પરત મુકવામાં આવતા ગ્રામજનોમાં ખુશીની લહેર છવાઇ હતી.

- Advertisement -

આ અનોખા કિસ્સાની વાત ડૉકટર આનંદ જયસ્વાલની છે. ડૉ. આનંદ જયસ્વાલ વર્ષ 2008 થી જોડિયા હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. તેઓ 17 વર્ષની ફરજમાં બે થી ત્રણ વખત બદલી થઇ હતી. પરંતુ તબીબ આનંદ જયસ્વાલની અસરકારક સારવાર અને નમ્ર સ્વભાવના કારણે તેમણે જોડિયા પંથકના ગ્રામજનોમાં ભારે લોકચાહના મેળવી હતી. 3 વખત બદલી થવા છતાં ગ્રામજનો તેમને ફરીથી જોડિયા લાવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2025માં ડૉકટર આનંદને કલાસ-1 અધિકારી તરીકે પ્રમોશન મળ્યું હતુું અને આ પ્રમોશન સાથે તેઓને જામનગર જિલ્લા આયુર્વેદ અધિકારી તરીકે મૂકવામાં આવ્યા હતા.

જામનગર જિલ્લા આયુર્વેદ અધિકારી તરીકે તેમની નિમણુંક થતાં ગત ફેબ્રુઆરી માસમાં તેમણે ચાર્જ સંભાળ્યો હતો. અંદાજે સાડા ત્રણ માસ જેટલો સમય તેમણે જામનગર કલાસ-1 અધિકારી તરીકે ફરજ બજાવી હતી. પરંતુ ભગવાનના બીજા સ્વરૂપ તરીકે જોડિયા પંથકના દર્દીઓના મનમાં વસેલા ડૉકટર આનંદ જયસ્વાલની ફરીથી જોડિયા ખાતે બદલી કરવા જોડિયાના ગ્રામજનો, સામાજિક સંસ્થાઓ, આગેવાનો દ્વારા હાલારના સાંસદ પૂનમબેન માડમને રજૂઆતો કરવામાં આવી હતી. આ જોડિયા પંથકના રજૂઆતોના સહિયારા પ્રયાસ અને સાંસદ પૂનમબેન માડમની રજુઆતને સફળતા મળતાં ડૉકટર આનંદ જયસ્વાલની ફરી જોડિયા ખાતે બદલી કરવામાં આવી છે.

- Advertisement -

આમ ગ્રામજનોની માંગણી અને રજૂઆતો તથા તબીબ પ્રત્યેની લોકચાહનાને લઇ તેમની ફરી વખત જોડિયા ખાતે બદલી થતાં ગ્રામજનોમાં આનંદની સાથે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે લોકોની તબીબ પ્રત્યેની માંગણી અને લોકચાહનાને ધ્યાને લઇ ખૂબ ટૂંકાગાળામાં કલાસ-1 અધિકારીની ફરી વખત બદલી થયાની અનોખી ઘટના તબીબની દર્દીઓ પ્રત્યેની સારવારની લોકચાહના અને લોકોનો તબીબ પ્રત્યેનો લાગણી અને પ્રેમ દર્શાવે છે. ડૉકટર આનંદ જયસ્વાલનો મળતાવડો સ્વભાવ અને દર્દીની અરસકારક સારવારના કારણે જોડિયા પંથકના ગ્રામજનોમાં ભારે લોકચાહના મેળવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular