જામનગરમાં નદીના પટ્ટમાં દબાણકારોને જામનગર મહાનગરપાલિતકા દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ આજથી આ અરજદારોની રજૂઆતો સાંભળવાનું શરૂ થયું છે. ત્રણ દિવસ રજૂઆતો સાંભળી ત્યારબાદ ડીમોલેશન હાથ ધરવામાં આવશે.
શહેરના વોર્ડ નં. 10માં આવેલા રંગમતિ નદીના પટ્ટ નજીકના સરકારી સર્વે નં. 298 ઉપર વિતેલા વર્ષોના ગાળામાં વસી ચૂકેલા બચુનગર વિસ્તારમાં મહાનગરપાલિકાએ લોકોને બાંધકામોના આધાર-પુરાવા રજૂ કરવા નોટીસો અપાઇ હતી. ત્યારબાદ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા આદેશ પણ જીપીએમસી કાયદાની કમલ હેઠળ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બચુનગરના 34 આસામીઓએ હાઇકોર્ટમાં દાદ માગી હતી. ત્યારબાદ વધુ 22 અરજદારોએ પણ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે બાદ ગત તા. 1 મેના રોજ હાઇકોર્ટે કરેલા ઓરલ ઓર્ડરમાં મહાનગરપાલિકા તરફ તા. 26 જૂન-2025 સુધીમાં બચુનગરના અરજદારોને સાંભળ્યા બાદ જવાબ રજૂ કરવાની સૂચના સાથે નોટીસ ઇસ્યૂ કરી હતી. આ દરમિયાન બચુનગરના 190 રહીશોએ તેઓના બાંધકામ રહેઠણો રેગ્યૂલાઇઝ કરી આપવા મહાનગરપાલિકો અરજી કરતા મહાનગરપાલિકાએ હાઇકોર્ટના નિર્દેશ મુજબ તા. 15, 16 અને 19મી મેના રોજ ટાઉનહોલમાં સુનાવણીનું આયોજન કરાયું છે. જેમાં ગઇકાલથી અરજદારોની રજૂઆતો સાંભળવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


