જામનગરના ઢગાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યાના કેસમાં અદાલત દ્વારા આરોપીને 20 વર્ષની સજા તથા દંડ ફટકાર્યો છે અને ભોગ બનનારને વળતર પેટે રૂપિયા ચાર લાખ ચૂકવવા પણ અદાલતે હુકમ કર્યો છે.
આ અંગેની વિગત મુજબ ફરિયાદીની સગીર વયની પુત્રીને જામનગરના સાઇઠ વર્ષના ઢગા ફિરોઝ ઉર્ફે કાદુ મહમદ અલી કાડીયાણી નામના શખ્સ દ્વારા ગત્ તા. 18-11-2021ના રોજ ફરિયાદીના ભત્રીજાનો જન્મદિવસ હોય, પોતાની શેરીમાં આવેલ એફ. એમ. નોવેલ્ટીમાં ગિફ્ટમાં કંપાસ બોક્સનો સેટ લેવા લઇ ગયા હતા અને થોડો સમય બાદ તેમના નણંદને કહ્યું કે, ભોગ બનનાર સાથે એફ. એમ. નોવેલ્ટીવાળા ફિરોઝે છેડતી કરી છે. તું જલ્દી આવ જેથી ફરિયાદી પહોંચતા ભોગ બનનાર રડતી હતી. જેથી ભોગ બનનારને પૂછતા તેણીએ જણાવ્યું હતું કે, નોવેલ્ટી સ્ટોર્સવાળા ફિરોઝભાઇ તેની દુકાનની અંદર બોલાવી સગીરાના શરીરને ખરાબ રીતે અડવા લાગેલ અને શારીરિક અડપલાં કર્યા હતા.આવું કરવાની ના પાડતાં તેણીને ઝાપટ મારી હતી અને ભોગ બનનારે એમ પણ કહ્યું હતું કે, આ અગાઉ પણ આરોપીએ ભોગ બનનાર સાથે આ પ્રકારનું કૃત્ય ચારથી પાંચ વખત કર્યું હતું અને આ વાત કોઇને ઘરે કહેશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ફરિયાદીના માણસોએ પણ ભોગ બનનારને એફ. એમ. નોવેલ્ટીની અંદર હોય આરોપી છેડતી કરતાં જોઇ ગયા જેથી પાડોશીએ મોબાઇલમાં વિડિયો શુટિંગ ચાલુ કરી દુકાનમાં ગયા ત્યારે ભોગ બનનારને કાઉન્ટર પાછળ સંતાડી દીધી હતી. તેને બહાર કાઢી ત્યારે ભોગ બનનાર ગભરાઇ ગઇ હોય જેથી ફરિયાદીએ સિટી ‘એ’ ડિવિઝનમાં આરોપી વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જે કેસ સ્પે. કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ રજૂ થયા હતા. જે તથા સરકારી વકીલની દલીલો ઘ્યાને લઇ આરોપીને તકસીરવાન ઠેરવી આઇપીસી 375(સી), 376(3), પોક્સો કલમ 3(એ), 7, 8, 9 (એલ), (એમ) તથા 10 હેઠળ સંયુક્ત રીતે વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા દસ હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા તથા આઇપીસી કલમ 323, 506 મુજબ બે વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા પાંચ હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા તથા ભોગ બનનારને વળતર પેટે રૂપિયા ચાર લાખ ચૂકવવા પોક્સો કોર્ટના જજ વી. પી. અગ્રવાલએ હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતા.


