જામનગર સહિત સમગ્ર દેશભરમાં કૂતરાંઓનો ત્રાસ અસહ્ય બનતો જાય છે. ઉપરાંત કૂતરાંઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઇ રહયો છે. કૂતરાંઓના ત્રાસના કારણે શહેરના રોડ પર બહાર નિકળવું મુશ્કેલ થઇ પડયું છે અને દરરોજ 50 થી વધુ લોકોને કૂતરાં કરડવાના કેસ જામનગરમાં નોંધાય છે. ત્યારે શહેરના માંડવી ટાવર વિસ્તારમાં વહેલી સવારે વોકિંગ કરવા નિકળેલી યુવતીને એકસાથે ત્રણ-ત્રણ કૂતરાંઓએ બચકા ભર્યા હતા.
મળતી વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં કૂતરાંઓનો ત્રાસ દિવસેને દિવસે અસહ્ય બનતો જાય છે. શહેરના દરેક વિસ્તારોમાં અને દરેક શેરીઓમાં રખડતા કૂતરાંઓને કારણે શહેરીજનોએ ચાલીને કે બાઇક પર બહાર નિકળવું મુશ્કેલ બની ગયું છે અને તેમાં પણ ખાસ કરીને એકલી વ્યકિતએ શહેરના કોઇપણ વિસ્તારમાંથી ચાલીને જવું જોખમ ભરેલું છે. જે કોઇપણ શેરીમાંથી પસાર થાવ ત્યાં અડધો ડઝન જેટલા કૂતરાંઓ રાહ જોઇને જ બેઠ હોય છે. ભસવા લાગે છે અને કરડવા દોડે છે. જો કે, સદ્નસીબે અમુક લોકો કૂતરાઓના હુમલાથી બચી જતા હોય છે. પરંતુ સિનિયર સિટીઝનો, મહિલાઓ અને બાળકો ખાસ કરીને કૂતરાઓના હુમલાનો ભોગ બને છે. જામનગર શહેરમાં દરરોજ 50 થી વધુ લોકોને કૂતરા કરડવાની ઘટના બનતી હોય છે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા વરસોથી અવિરત એવા કૂતરાઓનો ત્રાસ અટકાવવા નિષ્ફળ રહ્યું છે.
દરમિયાન જામનગર શહેરના માંડવી ટાવરના રોડ પર આજે વહેલી સવારે વીસ વર્ષની યુવતી વહેલી સવારે વોકિંગ કરવા નીકળી હતી ત્યારે એકસાથે ત્રણ કૂતરાઓ યુવતી પાછળ ભસવા લાગ્યા હતા અને કરડવા દોડયા હતા. ત્યારે યુવતી પોતાના સ્વબચાવ માટે દોડી હતી. પરંતુ ત્રણ કૂતરાઓએ યુવતીને કરડીને ચાર બચકા ભરી લીધા હતા. ત્યારબાદ ઘવાયેલી યુવતીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. આમ, શહેરમાં દરરોજ અનેક વિસ્તારોમાં કૂતરાઓ કરડવાની ઘટનાઓ ગંભીર રીતે વધી રહી છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.


