જામનગર શહેરમાં આઇએનએસ વાલસુરામાં સિવિલિયન ક્વાર્ટર્સમાં રહેતાં કર્મચારી પ્રૌઢનું નિદ્રાધિન હાલતમાં હૃદયરોગના હુમલાથી બેશુઘ્ધ થઇ જતાં નેવીની હોસ્પિટલમાં મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં આઇએનએસ વાલસુરાના સિવિલિયન ક્વાર્ટર્સમાં રહેતા અને સિવિલિયન એકોમોડેશનમાં ફરજ બજાવતા કિશોરભાઇ ભોગીલાલ જોષી (ઉ.વ.52) નામના વિપ્ર પ્રૌઢ રવિવારે બપોરના સમયે સૂતા હતા. ત્યારબાદ બીજે દિવસે સોમવારે સવારના સમયે તેમના પરિવારજનો દ્વારા પ્રૌઢને ઉઠાડવામાં આવતા પ્રૌઢ ઉઠયા ન હતા. તેથી બેશુઘ્ધ હાલતમાં પ્રૌઢને સારવાર માટે નેવીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ પ્રૌઢનું મોત નિપજયાનું જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પત્ની મિનાક્ષીબેન જોષી દ્વારા જાણ કરાત હે.કો. એસ. કે. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


