જામનગર શહેરમાં આવેલી બ્રહ્મસમાજની સંસ્થાના નામનું લેટરપેડ ટ્રસ્ટી ન હોવા છતાં બોગસ લેટરપેડ બનાવી, ખોટો સીક્કો મારી અને સહી કરી કોર્ટમાં રજૂ કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરના આણદાબાવા ચકલામાં આવેલા બારોટ ફળીમાં રહેતાં જયંતભાઇ ગૌરીશંકર પુંજાણી નામના વૃઘ્ધ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદની વિગત મુજબ શહેરના મેહુલનગર, 80 ફુટ રોડ પર આવેલી ગાયત્રી સોસાયટીની શેરી નંબર બેમાં રહેતા નયન હર્ષદભાઇ ત્રિવેદી નામનો શખ્સ “શ્રી રાજ્ય પુરોહિત વિદ્યાર્થી ભૂવન વિદ્યોત્તેજક ફંડ” નામની સંસ્થામાં જયંતભાઇ ટ્રસ્ટી ન હોવા છતાં ટ્રસ્ટી તરીકે દર્શાવી સંસ્થાનું બોગસ લેટરપેડ બનાવ્યું હતું અને આ લેટરપેડમાં ખોટો સિકકો મારી જયંતભાઇની સહી જેવી ભળતી સહી કરી આ લેટરપેડનો અદાલતમાં ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. આ અંગેની જાણ થતાં જયંતભાઇએ નયન વિરૂઘ્ધ સિટી ‘સી’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ એન. બી. ડાભી તથા સ્ટાફએ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


