જામનગર શહેરમાં ખુલ્લા ફાટક પાસેના બાવરીવાસમાં છુટા રૂપિયા આપવાની ના પાડતા વૃઘ્ધાને ગાળો કાઢી, પત્થરોના ઘા કરી, દુકાનનું ટીવી તથા પતરાં તોડી નાખી, વૃઘ્ધાના પુત્રને ઇજા પહોંચાડયાના બનાવમાં પોલીસે શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ખુલ્લા ફાટક પાસે આવેલા બાવરીવાસમાં રહેતાં હીરાબેન બાબુભાઇ પડાયા (ઉ.વ.60) નામના વૃઘ્ધા તેના ઘરે આવેલી દુકાનમાં રવિવારે બપોરના સમયે બેઠાં હતા ત્યારે તેના જ વિસ્તારમાં રહેતો મેઘરાજ લેખરાજ બાવરી નામના શખ્સએ આવીને વૃઘ્ધા પાસે છુટા રૂપિયા માંગ્યા હતા, પરંતુ છુટા ન હોવાથી વૃઘ્ધાએ ના પાડી હતી. તેથી ઉશ્કેરાયેલા મેઘરાજએ વૃઘ્ધાને ગાળો કાઢી પત્થરોના છુટા ઘા કર્યા હતા. જેના કારણે દુકાનમાં રહેલું ટીવી અને છતના પતરાં તોડી નાખ્યા હતા. ઉપરાંત પત્થરનો ઘા મારી વૃઘ્ધાને ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ મેઘરાજ નાશી ગયો હતો. બાદમાં ફરીથી મેઘરાજે આવીને વૃઘ્ધાના પુત્રને ગાળો કાઢી, પત્થરોના છુટા ઘા કરી, માથામાં ઇજા પહોંચાડી હતી. પત્થરોથી કરાયેલા હુમલામાં વૃઘ્ધ માતા અને પુત્રને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એમ. વી. દવે તથા સ્ટાફે શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.


