હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ સુરક્ષા એજન્સીઓ સર્તક બની છે. ખાસ કરીને જામનગર દરિયાઇ વિસ્તાર હોય સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ વધી જાય છે. જેને લઇ જામનગરમાં પોલીસ તથા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે. જામનગરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત આજરોજ જામનગર શહેરમાં બસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ અને પોલીસ દ્વારા એસ.ટી. બસ સ્ટેન્ડ સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું. બસ સ્ટેશન પર આવતાં લોકોનું વેરિફીકેશન અને ઓળખકાર્ડની ચકાસણી કરાઇ હતી તથા સામાનનું ચેકિંગ કર્યું હતું. આ ઉપરાંત બસ સ્ટેશનના પાર્કિંગમાં વાહનો, બસ સહીતનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.


