ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલી પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને ગુજરાતની સરહદ નજીક આવેલા 6 એરપોર્ટ આગામી 15 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ આ એરપોર્ટ ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવ્યા હતા.
જમ્મુ કાશ્મિરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત દ્વારા આતંકવાદીઓનો ખાત્મો બોલાવવાની કાર્યવાહી હાથ ધરાતા ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભરેલી સ્થિતિ સર્જાઇ છે અને આ પરિસ્થિતિમાં પાકિસ્તાન નજીક આવેલા ગુજરાત રાજ્યની સરહદો પાસેના જામનગર, રાજકોટ, પોરબંદર, કેશોદ, ભૂજ અને કંડલા આ 6 શહેરોના એરપોર્ટ ત્રણ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ પરિસ્થિતિ વધુ ખરાબ થવાથી સલામતીના ભાગરૂપે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આગામી તા. 15 મે સુધી જામનગર, રાજકોટ, પોરબંદર, કેશોદ, ભૂજ અને કંડલાના એરપોર્ટ પરથી ઉડતી ફલાઇટો બંધ કરવામાં આવી છે. હાલ આ 6 શહેરોના એરપોર્ટ પર કોઇ સિવિલ ફલાઇટ ઉડાન નહીં ભરે, પરંતુ મિલિટ્રીની કામગીરી માટે એરપોર્ટ ખુલ્લા રહેશે તેમજ નાગરિકોની સુરક્ષાને ઘ્યાનમાં રાખી હાલ ગુજરાતના સરહદ પાસેના એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.


