Friday, December 5, 2025
Homeરાજ્યહાલારયુવાનનું વ્યાજખોરો દ્વારા અપહરણ કરી ટાટીયા ભાંગી નાખ્યા

યુવાનનું વ્યાજખોરો દ્વારા અપહરણ કરી ટાટીયા ભાંગી નાખ્યા

તોતિંગ વ્યાજ વસુલી વધુ પૈસાની માંગણી : વ્યાજખોર સહિતના પાંચ શખ્સો દ્વારા અપહરણ કરી ધમકી : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

ખંભાળિયા તાલુકાના હરીપર ગામે રહેતા એક યુવાને તોતિંગ વ્યાજે લીધેલા રૂા. 10,000 સામે 25,000 ચૂકવ્યા હોવા છતાં પણ એક શખ્સ દ્વારા અન્ય ચારની મદદથી યુવાનનું અપહરણ કરી અને બેફામ માર મારી, ધમકી આપવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા નજીક આવેલા હરીપર ગામે મહાવીર નગર ખાતે રહેતા અને ડ્રાયવિંગકામ કરતા શામજીભાઈ નારણભાઈ કારવાણી નામના 47 વર્ષના યુવાને આજથી આશરે બેએક વર્ષ પૂર્વે ખંભાળિયાના ભાયા હરી લુણા નામના શખ્સ પાસેથી 10 ટકાના વ્યાજદરથી રૂપિયા 10,000 ની રકમ ઉછીની લીધી હતી. સમયાંતરે સામજીભાઈએ ભાયા લુણાને રૂ. 25,000 ની રકમ ચૂકવી દીધી હતી. તેમ છતાં પણ વધુ પૈસાની માંગણી કરતા સામજીભાઈએ વધુ પૈસા આપવાની ના કહી હતી. જેનો ખાર રાખીને આરોપી ભાયા હરી લુણાએ સામજીભાઈને હરીપર નજીક આવેલા એક મંદિર પાસે બોલાવ્યા હતા. જ્યાં ભાયા હરી અને મહેશ ભાયા લુણાએ સામજીભાઈને લાકડાના ધોકા વડે માર મારી, પોતાના મોટરસાયકલમાં બેસાડીને સરકારી ક્વાર્ટર સામેના રફ રસ્તે લઈ જઈને અપહરણ કર્યું હતું.

અહીં ભાયા અને મહેશ સાથે રહેલા અન્ય આરોપીઓ રઘુ ભાયા લુણા, વિપુલ ખેરાજ લુણા અને દેવા જેઠા લુણા નામના કુલ પાંચ શખ્સોએ ગેરકાયદેસર રીતે મંડળી રચીને તેમને લાકડાના ધોકા વડે બેફામ મારતા તેમને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થવા પામી હતી.

- Advertisement -

આટલું જ નહીં, આરોપીઓએ સામજીભાઈના મોટરસાયકલમાં પણ ધોકા વડે વ્યાપક નુકસાની કર્યાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ તેમજ જી.પી. એક્ટ ઉપરાંત મની લેન્ડર્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular