જામનગર મહાનગરપાલિકા એસ્ટેટ શાખા દ્વારા રણજીતસાગર રોડ ઉપર ફરી એક વખત દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં રેંકડી ઉપર દબાણરુપ માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પટેલ કોલોનીમાં ગેલેરીયા કોમ્પ્લેકસ પાસે પણ ખાણી-પીણીના ધંધાર્થી દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
જામનગરના જુદા-જુદા વિસ્તારોમા: દુકાનદારો તથા રેંકડીધારકો દ્વારા ટ્રાફિકને અડચણરુપ ગેરકાયદેસર દબાણો દુર કરવા ઝુંબેશ ચલાવાઇ રહી છે. અગાઉ રણજીતસાગર રોડ ઉપરથી દબાણો હટાવ્યા હતાં. છતાં ફરી દબાણો જોવા મળતાં એસ્ટેટ શાખાની ટીમ ગઇકાલે ફરી એક વખત પહોંચી હતી. પવનચક્કીથી લાલપુર બાયપાસ રોડ ઉપર એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઇ હતી. રેંકડીઓ, કેબિનો, મંડપ ઉભા કરી ધંધો કરતાં દબાણો દૂર કરી માલ સામાન જપ્ત કરી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત એસ્ટેટ શાખા દ્વારા જામનગર શહેરમાં પટેલ કોલોની શેરી નં. 3માં આવેલ ગેલેરીયા કોમ્પ્લેકસ પાસે પણ ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. અહીં રેસ્ટોરન્ટ સંચાલકો તથા ખાણી-પીણીની રેંકડીધારકો દ્વારા માર્ગ પર તેમજ કોમ્પ્લેકસમાં ગેરકાયદેસર રીતે ખાણી-પીણી માટે ટેબલો-ખુરશીઓ ગોઠવી દબાણ કરાયું હોય, એસ્ટેટ શાખાની ટીમ પહોંચી હતી. અહીં ખાણી-પીણીના ધંધાર્થીઓના દબાણની ફરિયાદો ઉઠવા પામી હતી. જેને લઇ એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવવા કાર્યવાહી હાથ ધરાઇ હતી. ખાણી-પીણીના ધંધાર્થીઓ દ્વારા કરાયેલ દબાણના ટેબલ-ખુરશીઓ સહીતનો માલ-સામાન તથા રેંકડીઓ જપ્ત કરવામાં આવી હતી.


