જામનગર શહેરના વેપારીએ વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણી માટે વ્યાજખોરે રૂા.18 લાખ પડાવી લીધા છતાં વધુ રકમની ઉઘરાણી કરવા પઠાણી ઉઘરાણી કરતો હોવાથી ત્રાસી ગયેલા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં લાલપુર રોડ પર આવેલા નીલગીરી વિસ્તારમાં રહેતાં મચ્છાભાઈ મેઘાભાઈ ચૌહાણ નામના વેપારી યુવાને અનિલ વિનોદ ભદ્રા નામના વ્યાજખોર પાસેથી રૂા.6,10,000 વ્યાજે લીધા હતાં. જેની સિકયોરિટી પેટે બેંક ઓફ બરોડાના ખાતાના સહી કરેલા ચાર કોરા ચેક આપ્યા હતાં અને સોનાના છ વેઢલા તથા બે કડા ગીરવે મુકયા હતાં. તેમજ વેપારીએ સાડા ત્રણ વર્ષ દરમિયાન આજ દિવસ દરમિયાન વ્યાજખોરને કુલ રૂા.18,05,000 ચૂકવી દીધા હતાં ઉપરાંત વ્યાજખોરે વધુ રૂપિયા પડાવવા માટે પઠાણી ઉઘરાણી કરતો હતો જેના ત્રાસથી કંટાળીને વેપારીએ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એમ.કે.બ્લોચ તથા સ્ટાફે વ્યાજખોર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


