જામનગર શહેરમાં ત્રણ દરવાજા પાસે 12 વર્ષ પહેલાં થયેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી બે શખ્સોએ ફરિયાદ કરનારના મામા ઉપર છરી વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં મોટા આશાપુરાના મંદિર સામેના વિસ્તારમાં રહેતાં ઈકબાલ હારુન ગજિયા નામના યુવાનની ભાણેજ રેશ્માબેન 12 વર્ષ પહેલાં કુલદિપસિંહ ઉર્ફે લાલભા ઢીંગલી નટુભા પરમાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. 12 વર્ષ અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી કુલદિપસિંહ ઉર્ફે લાલભા ઢીંગલી અને બિપીન ઉર્ફે લાકડી નામના બે શખ્સોએ શનિવારે સવારના સમયે ત્રણ દરવાજા પાસે હોટલ નજીક ફરિયાદીના મામા ઈકબાલ ગજિયાને આંતરીને ગાળો કાઢી છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી તેમજ ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા ઈકબાલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ કે.એન. જાડેજા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


