દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ બે માનવીઓને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે. ખંભાળિયાના 55 વર્ષના પ્રૌઢા તથા ભાણવડના રૂપામોરા ગામના 71 વર્ષના વૃદ્ધનું હૃદય ધબકારા ચુકી જતા મૃત્યુ નિપજ્યું હતું. પોલીસ દ્વારા બન્ને બનાવમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર સહિત હાલાર પંથકમાં હૃદયરોગના હુમલાના બનાવો સતત ચિંતાજનક રીતે વધતા જઈ રહ્યા છે. દ્વારકા જિલ્લામાં વધુ બે માનવીઓના હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યા છે. ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા શરૂતળાવ નજીક રહેતા જમનાબેન ગોપાલભાઈ રામજીભાઈ નકુમ નામના 55 વર્ષના પ્રૌઢ મહિલાને ગત તા. 11 ના રોજ હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ ભાણવડ તાબેના રૂપામોરા વિસ્તારમાં રહેતા વશરામભાઈ અરશીભાઈ નનેરા નામના 71 વર્ષના વૃધ્ધને પોતાના ઘરે સવારના સમયે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જેમને હોસ્પિટલ ખસેડતા હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ નિપજ્યાનું જાહેર કરાયું હતું. આ અંગે તેમના પરિવારજનોએ સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.