જામનગર શહેરમાં સતત બે દિવસથી મહતમ તાપમાનનો પારો 39.5 ડિગ્રીએ સ્થિર થયો છે. સૂર્યનારાયણના આકરા મિજાજથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. બપોરના સમયે આકરા તાપ અને ભારે ગરમીથી લોકો પરેશાન થઇ બિનજરૂરી બહાર નિકળવાનું ટાળી રહયા છે. ચૈત્ર માસના પ્રારંભ સાથે જ શરૂ થયેલ આકરી ગરમીનો શહેરીજનો સામનો કરી રહયા છે.
કચ્છ સૌરાષ્ટ્ર હવામાન વિભાગ દ્વારા આકરી ગરમીની આગાહી કરવમાં આવી હતી. એવામાં જામનગર શહેરમાં મહતમ તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. જામનગરમાં સતત બે દિવસથી મહતમ તાપમાનનો પારો 39.5 ડિગ્રીએ સ્થિર થયો છે. સૂર્ય નારાયણ કોપાયમાન થયા હોય તેમ આકરા તાપ અને ગરમીથી લોકો પરેશાન થયા છે. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર મહતમ તાપમાન 39.5 ડિગ્રી, લઘુતમ તાપમાન 21. ડિગ્રી હવામાં ભેજનું પ્રમાણ 95 ટકા તથા પવનની ગતી 6.7 કિલોમીટર પ્રતિકલાક નોંધાઇ હતી. આકરા તાપને કરાણે લોકો બિનજરૂરી ઘરની બહાર નિકળવાનું ટાળી રહયા છે. તેમજ સાંજ પડતાં વાતાવરણમાં થોડી-ઘણી ઠંડક થતાં લોકો રાહતનો શ્ર્વાસ લઇ રહયા છે. એક તરફ ગરમી અને બીજી તરફ હાલમાં શાળાઓમાં પણ વેકેશન થવા જઇ રહયું છે. ત્યારે ગરમીથી બચવા શહેરીજનો લીંબુ સરબત, છાશ, સોડા સહિતના ઠંડાપીણાનો સહારો લઇ રહયા છે. જયારે રાત્રિના સમયે બરફ ગોલા, આઇસ્કીમની મજા મારી રહયા છે. શહેરની સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારોરમાં પણ આકરા તાપને કારણે ખેડૂતો,મજૂરો પરેશાન થતાં છાયડાઓનો સહારો લઇ રહયા છે.


