જામનગરમાં બાલ મુકુંદનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને ઘરનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂા.1,63,900 નો માલસામાન ચોરી કરી નાશી ગયા હતાં. આ બનાવ અંગે મકાન માલિક દ્વારા સિટી સી ડીવીઝનમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધ રી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગરમાં બાલ મુકુંદનગર સમર્પણથી જકાતનાકા રોડ રેલવે ફાટકની બાજુમાં રહેતાં રણછોડભાઈ રામજીભાઈ સોનગરા તેમના વતનમાં ગયા હતાં. આ દરમિયાન તા.19 થી તા.22 માર્ચના સમયગાળામાં અજાણ્યા શખ્સો તેમના મકાનનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રાખેલ રૂા.25000 ની કિંમતનો બે તોલાનો સોનાનો હાર, રૂા.40000ની કિંમતનો 1.5 તોલાનો બુટી સહિત સોનાનો હાર, રૂા.15000 ની કિંમતની એક તોલાની સોનાની કાનની બુટીની 2 જોડી, રૂા.10000 ની કિંમતની અડધા તોલાની સોનાની ત્રણ જોડી કાનની બુટી, રૂા.8000 ની કિંમતની અડધા તોલાની સોનાની કાનમાં પહેરવાની ઝૂમર બુટી, રૂા.2000 ની કિંમતનો ત્રણ ગ્રામનો સોનાનો ઓમકાર, રૂા.7000 ની કિંમતની ત્રણ ગ્રામની સોનાની વીંટી, રૂા.20000 ની કિંમતનો અડધા તોલાનો સોનાનો ચેઈન, રૂા.1400 ની કિંમતનો બે ગ્રામનું સોનાનું પેન્ડલ, રૂા.14000 ની કિંમતના એક તોલાના પ્લાસ્ટિકના સોનાની ચીપવાળા પાટલા, રૂા.4000 ની કિંમતના સોનાના નાકના દાણા, રૂા.6000 ની કિંમતનો ચાંદીનો કમરનો કંદોળો, રૂા.1700 કિંમતનો છોકરાનો કમરનો કંદોરો, રૂા.3500 ની કિંમતનું ચાંદીનું મંગળસુત્ર, રૂા.1500 ની કિંમતની ચાંદીની કાળા મોતીવાળી માળા, રૂા.200 ની કિંમતની બે ચાંદીની વીંટી, રૂા.300 ની કિંમતની પગમાં પહેરવાની વીંટી, રૂા.800 ની કિંમતના નાના છોકરાની લકકી તથા બે ચાંદીના કળા, રૂા.1300 નીકિંમતના બે જોડી ચાંદીના સાંકળા તથા ચાંદીની પાયલ તથા રૂા.2200 ની કિંમતનો ચાંદીનો ચેઈન સહિત કુલ રૂા.1,63,900 ની કિંમતના સોના-ચાંદીના દાગીનાનો માલસામાન ઉસેડી ગયા હતાં.
આ અંગે રણછોડભાઈ દ્વારા સિટી સી ડીવીઝન પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી સીસીટીવી, ડોગ સ્કવોર્ડ સાથે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. સીટી સી પીએસઆઈ એસ.એમ. સિસોદીયા દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવાઈ રહી છે.


