જામનગર સહિત સમગ્ર દેશભરમાં છેલ્લાં ઘણાં સમયથી યુવાઓને ઘાતક હૃદયરોગના હુમલાઓ અતિશય ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને 18 વર્ષથી લઇને 40 વર્ષના યુવાનોને હૃદયરોગના હુમલામાં મોત નિપજવાની ઘટનાઓ વધતી જાય છે. દરમિયાન કાલાવડ તાલુકાના રીનારી ગામમાં રહેતા યુવાનને હૃદયરોગનો હુમલો આવતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
દેશભરમાં કોરોના કાળ પછી હૃદયરોગના હુમલામાં મોત નિપજવાની ઘટનાઓ વધી ગઈ છે. પરંતુ તેમાં પણ ખાસ કરીને હૃદયરોગના હુમલાઓ આવવા નાના બાળકોથી લઇથી 45 થી 50 વર્ષ સુધીના યુવાનોની સંખ્યા ચિંતાજનક રીતે વધતી જાય છે. દેશભરમાં યુવાઓના હાર્ટએટેકથી મોત નિપજવાની ઘટનાએ દેશવાસીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં પણ બાળકોથી લઇને યુવાનોમાં હૃદયરોગના હુમલા આવવાની ઘટનાઓ બનતી જાય છે. તેમાં પણ આ હુમલામાં વ્યક્તિઓના મોત નિપજવાની ઘટનાઓ વધુ બને છે દરમિયાન વધુ એક યુવાનનું હાર્ટએટેકથી મોત નિપજવાની ઘટનામાં કાલાવડ તાલુકાના રીનારી ગામના સીમ વિસ્તારમાં રહેતાં અભિષેક દોલુભાઇ બાબરીયા (ઉ.વ.27) નામના શ્રમિક યુવાનને તેના ઘરે બપોરના સમયે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા ચકકર આવતા બેશુદ્ધ થઈ ગયો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન બુધવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા દોલુભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઇ જી.આઈ. જેઠવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


