કાલાવડ તાલુકાના ગોલણીયા ગામથી નાગપુર જવાના રસ્તેથી પસાર થતા બાઈકચાલકે કાબુ ગુમાવતા બાઈક વોંકળાના પાણીમાં ખાબકતા ડૂબી જવાથી પરપ્રાંતિય યુવાનનું મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ફલિયામાઉ ગામનો વતની અને હાલ કાલાવડ તાલુકાના બાંગા ગામની સીમમાં આવેલા છગનદાદાના ખેતરમાં મજૂરી કામ કરતો નરેશભાઈ હકમાભાઈ તોમર (ઉ.વ.27) નામનો યુવાન સોમવારે બપોરના 12:30 વાગ્યાના અરસામાં તેના જીજે-02-બીઈ-1231 નંબરના બાઈક પર ગોલણીયા ગામથી નાગપુર જવાના માર્ગ પર પસાર થતો હતો તે દરમિયાન બેઠા પુલની ગોલાઈ પાસે કોઇ કારણસર બાઈક પરનો કાબુ ગુમાવતા બાઈક પુલ નીચે વોંકળામાં ખાબકતા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવની જાણના આધારે હેકો જી આર ચાવડા તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને વોંકળામાંથી યુવાનના મૃતદેહનો બહાર કાઢી કયા કારણોસર અકસ્માત થયો ? તે અંગે રાકેશભાઈ તોમરના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


