જામનગર તાલુકાના રામપર ગામમાં આવેલી જવેલર્સની દુકાનમાં અજાણ્યા તસ્કરોએ હથિયાર વડે શટ્ટર ઉંચકી અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂા.1.95 લાખની માલમતા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરના દિ.પ્લોટ 58મા આવેલા શ્રીરંગ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતાં કલ્પેશભાઈ અરવિંદભાઈ લોઢીયા નામના સોની વેપારીની જામનગર તાલુકાના રામપર ગામમાં આવેલી સોના-ચાંદીની દુકાનમાં ગત તા.24 ના રાત્રિના બે વાગ્યાથી પોણા ત્રણ વાગ્યા સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ દુકાનનું શટ્ટર કોઇ હથિયાર વડે ઉંચુ કરી અંદર પ્રવેશ કરી કાચના દરવાજાનો નકૂચો તોડી દુકાનમાંથી રૂા.1,75,000 ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રૂા.20,000 ની રોકડરકમ મળી કુલ રૂા.1,95,000 ની માલમતાની ચોરી કરી ગયા હતાં. બનાવની જાણ વેપારી દ્વારા કરાતા પીએસઆઈ એ.કે. પટેલ તથા સ્ટાફે સ્થળ પર દોડી જઈ ચોરીના બનાવનો ગુનો નોંધી ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.


