લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં રહેતાં યુવાનના લગ્ન કરી દેવા બાબતે વિશ્વાસમાં લઇ મધ્યપ્રદેશના છ શખ્સોએ ગુજરાતના ભાડા પેટે બે લાખ પડાવી લઇ યુવાનના પિતા સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
છેતરપિંડીના બનાવની વિગત મુજબ,લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં રહેતાં અને ખેતી કરતાં ડાયાભાઇ જેશાભાઈ મકવાણા નામના વૃઘ્ધના પુત્ર પ્રકાશના લગ્ન કરવા માટે ડાયાભાઈએ મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતાં આયેશાબેન ઉર્ફે કોમલ આદિલ ઉર્ફે ગોલુ પઠાણ નામની મહિલા અને તેણીના પતિ આદિલ ઉર્ફે ગોલુ સલીમ પઠાણના સંપર્કમાં આવ્યા હતાં અને દંપતીએ વૃદ્ધના પુત્રના લગ્ન સગીરા સાથે કરાવી દેવાનું કહ્યું હતું અને આ લગ્ન કરાવી દેવામાં દંપતીની સાથે જીવન વામન મસાણે, વીમલાબેન પવન ડોડિયા, રવિ મદન પથોથે તથા ધર્મેન્દ્ર પ્રેમસિંહ ડાભોર સહિતના છ શખ્સોએ એકસંપ કરી વૃદ્ધના પુત્રના લગ્ન સગીરા સાથે કરાવવા માટે ગુજરાત આવવા માટે ભાડાપેટે રૂા.2 લાખ પડાવી લીધા હતાં અને ત્યારબાદ સગીરાનું ખોટું નામ આપી વૃદ્ધ સાથે છેતરપિંડી આચરી હતી. ત્યારબાદ વૃધ્ધ દ્વારા ભાડાના રૂપિયા પડાવી સગીરાનું ખોટું નામ આપી છેતરપિંડી કર્યાના બનાવમાં પોલીસમાં જાણ કરાતા પીએસઆઈ એ.જી. જાડેજા તથા સ્ટાફે બે મહિલા સહિત છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


