જામનગર તાલુકાના દરેડ ગામમાં મસીતિયા રોડ તરફ જવાના માર્ગ પર રહેતાં શખ્સને તેના મકાનમાંથી 24 બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસેથી કારમાં પસાર થતા શખ્સને 20 બોટલ દારૂ અને કાર સાથે દબોચી લીધો હતો.
દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર તાલુકાના દરેડ ગામમાં મસીતિયા જવાના માર્ગ પર પાણીના ટાંકા પાસે રહેતાં અને બ્રાસપાર્ટનો વ્યવસાય કરતા રસીક બચુ ચંગાણી નામના કારખાનેદારના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીઆઈ વી.જે. રાઠોડ, એએસઆઈ પી.કે. જાડેજા, એમ.એલ. જાડેજા, પો.કો. સુમિત શિયાળ, પોલાભાઈ ઓડેદરા, ભયપાલસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા. 16464 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 24 બોટલ મળી આવી હતી. તેથી પોલીસે રસિકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના દિગ્જામ સર્કલ વુલનમીલ પુલ નીચેથી પસાર થતી કારને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને કારની તલાસી લેતા તેમાંથી રૂા.8000ની કિંમતની ઈંગ્લીશ દારૂની 20 બોટલ મળી આવતા પોલીસે મૂ જામરાલના અને હાલ જામનગરના વામ્બે આવાસ રોડ પર મયુરનગરમાં રહેતાં મહેશ ઉર્ફે મયલો ઉર્ફે મયુર હમીર વારોતરીયા નામના શખ્સને ઝડપી લઈ તેની પાસેથી દારૂ અને કાર સહિત કુલ રૂા.2,08,000 નો મુદ્દામાલ કબ્જે કરી ધરપકડ કરી હતી.