ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામ પાસેના રોડ પરથી પસાર થતા ટેન્કરના ચાલકને ચાલુ વાહને હૃદયરોગનો હુમલો આવતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેન્કર પલ્ટી ખાઈ જતાં મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, રાજકોટ જિલ્લાના જેતપુર ગામમાં રહેતાં ભાભલુભાઈ રામકુભાઈ કરપડા (ઉ.વ.54) નામના પ્રૌઢ ગઈકાલે સાંજના સમયે તેનું ટેન્કર લઇને ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામ નજીકથી પસાર થતા હતાં તે દરમિયાન ચાલુ ટેન્કરે પ્રૌઢને અચાનક હૃદયરોગનો હુમલો આવી જતાં સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેન્કર પલ્ટી ખાઈ ગયું હતું. અને ચાલક બેશુદ્ધ થઈ ગયા હતાં. બાદમાં પ્રૌઢને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના ભત્રીજા દિવ્યરાજભાઈ કરપડા દ્વારા જાણ કરાતા હેકો કે.એસ. દલસાણિયા તથા સ્ટાફે હોસ્પિટલ હોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી