રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી મોટર સાયકલોની ચોરી કરતાં એક શખસને મોરબી ક્રાઇમ બ્રાન્ચે કુલ રૂા. 6,05,000ની કિંમતના 16 મોટર સાયકલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા વાહન ચોરીના ગુન્હાના આરોપીઓને ઝડપી લેવા મોરબી એલસીબી પીઆઇ એમ.પી. પંડયાને કરેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી દ્વારા ટેકનિકલ સર્વેલન્સ સ્ટાફ દ્વારા મોરબીમાં થયેલ વાહન ચોરીના કેટલાક શખ્સોના શંકાસ્પદ ફોટાઓ મળી આવ્યા હોય જેને આધારે તપાસ હાથ ધરતાં એક શખ્સ નવલખી ફાટક તરફથી શનાળા બાયપાસ તરફ ચોરાઉ મોટર સાયકલ સાથે જતો હોવાની મળેલ બાતમીને આધારે મોરબી એલસીબીએ વોચ ગોઠવી એક શંકાસ્પદ શખ્સને પકડી મોટર સાયકલના આધાર પુરાવા માંગતા તેની પાસે આધાર પુરાવા ન હોવાનું જણાવ્યું હતું. જેથી પોેટ કોપ એપ્લીકેશન મારફતે સર્ચ કરતાં આ મોટર સાયકલ ચોરીથી મેળવેલ હોવાનું જણાતા શખ્સની પૂછપરછ હાથ ધરતાં તેણે ચારેક માસ પૂર્વે મોરબી નવા બસ સ્ટેન્ડ નજીક આવેલ સુપર માર્કેટ પાસેથી ચોરી કરી હોવાની કેફિયત આપી હતી અને તેની આગળ પાછળની નંબર પ્લેટો કાઢી ફેંકી દીધી હોવાનું જણાતું હતું. આ સિવાય તેણે મોરબી રાજકોટ રાધનપુર તથા થરાદ એમ અલગ-અલગ જગ્યાએથી અલગ-અલગ તારીખ અને સમયે કુલ 17 મોટર સાયકલ ચોરી કર્યાની કબુલાત કરી હતી.
તમામ મોટર સાયકલ કબજે કરી આ બાબતે ખરાઇ કરતાં મોરબી જિલ્લામાં 6, રાજકોટ શહેરમાં 4, પાટણ જિલ્લામાં 3 તથા બનાસકાંઠા જિલ્લામાં 4 મોટર સાયકલ ચોરીના કુલ 17 ગુન્હા રજીસ્ટ્રર થયા હતા. આથી પોલીસે મોરબી સીટીના રૂપિયા 1,90,000ની કિંમતના પાંચ નંગ મોટર સાયકલ, રાજકોટ શહેરના રૂા. 1,10,000ની કિંમતના 4 નંગ મોટર સાયકલ, પાટણ જિલ્લાના રૂપિયા 1,20,000ની કિંમતના 3 નંગ મોટર સાયકલ તથા બનાસકાંઠાના 1,85,000 ની કિંમતના 4 નંગ મોટર સાયકલ સહિત કુલ રૂા. 6,05,000ની કિંમતના 16 નંગ મોટર સાયકલ કબજે કર્યા હતા.
આરોપી રાજકોટ શહેર તથા મોરબી વિસ્તારમાં છેલ્લા 7 વર્ષથી કામ કરતો હોય આર્થિક સ્થિતિ નબળી હોય તથા નશો કરવાની આદત હોય જેના ખર્ચને પહોંચી વળે તેમ ન હોય પોતાના વતનમાંથી બસમાં બેસી ગુજરાતના મોરબી, રાજકોટ, બનાસકાંઠા તથા પાટણના વિવિધ જિલ્લાઓમાં ભીડભાડવાળી જગ્યાએ પાર્ક કરેલ મોટર સાયકલની રેન્કી કરી હેન્ડલ લોક વગરના મોટર સાયકલને પોતાની પાસે રહેલ ચાવીથી તથા મોટર સાયકલમાં ભૂલથી રહી ગયેલ ચાવીવાળા મોટર સાયકલ ચોરી કરતો હતો. આ કાર્યવાહી મોરબી એલસીબી પીઆઇ એમ.પી. પંયા, પી.એસ.આઇ. કે. એચ. ભોચિયા, વી.એન. પરમાર, હે.કો. બલદેવભાઇ વાનાણી, પો.કો. કૌશિકભાઇ મણવર તથા એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા કરાઇ હતી.