દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં શાંતિનગર ખાતે રહેતા ઉમરભાઈ મામદભાઈ લુચાણી નામના 70 વર્ષના મુસ્લિમ વૃદ્ધના દીકરા અસલમે ઉમરભાઈના જમાઈ હુસેન લાખા લુચાણીના નામનું મોટરસાયકલ લીધું હતું. ત્યાર બાદ ફરિયાદી ઉમરભાઈના પુત્રી અને જમાઈ વચ્ચે ઝઘડો થતા તેમની પુત્રી રિસામણે આવી ગઈ હતી.
તેણીને તેડવા આવવાના બહાને જમાઈ હુસેન લાખા સાથે આવેલા સબીર લાખા, સબીર લાખા, સિદ્દીક લાખા, મામદ લાખા, આબિદ લાખા, આરબ હનીફ, આસિફ હનીફ, હલીમા આરબ અને અલારખી ડાડા લુચાણી નામના કુલ નવ શખ્સોએ એકસંપ કરીને લોખંડના પાઈપ તેમજ લાકડાના ધોકા વડે ફરિયાદી ઉમરભાઈ લુચાણીના પુત્ર અસલમ તેમજ પુત્રી અફસાના પર હુમલો કરી, બિભત્સ ગાળો કાઢી, ઇજાઓ પહોંચાડી હતી.
આટલું જ નહીં, મોટરસાયકલ પાછું લેવા માટે ફરિયાદીના દીકરા અસલમ તેમજ મામદને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે મહિલાઓ સહિત તમામ નવ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.