જામનગર શહેરમાં લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સરગમ નવરાત્રિ મહોત્સવમાં 160 જેટલી બાળાઓ માઁ આદ્યશકિતની આરાધના કરી રહી છે. અર્વાચિન ગરબી સામે પ્રાચિન ગરબીઓનું હજુ પણ મહત્વ અકબંધ રહ્યું છે. જેની પ્રતિતી આ સરગમ નવરાત્રિ મહોત્સવ કરાવી રહી છે. જેમાં પ્રથમ નોરતે બેડીગેઈટ સ્વામિનારાયણ મંદિરના ચર્તુભૂજદાસ મહારાજ તથા જામનગરના પત્રકારોના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.
છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં અનેક સ્થળોએ પ્રાચિન અર્વાચિન નવરાત્રિની રંગત જામી છે. ગુરૂવારે પ્રથમ નોરતાથી બાળાઓથી લઇ યુવાનો ગરબે રમી માતાજીની આરાધના કરી રહ્યા છે. અર્વાચિન ગરબીની સામે હજુ પણ પ્રાચિન ગરબીઓનું મહત્વ એટલું જ જળવાઈ રહ્યું છે. જામનગર શહેરમાં અનેક પરંપરાગત પ્રાચિન ગરબીઓ છે જેને નિહાળવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોટસ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સરગમ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
યુવાનો/યુવતિઓમાં વ્યકિત વિકાસ તથા વ્યકિતત્વ વિકાસ માટે પ્રયત્નશીલ સંસ્થા એટલે લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર વર્ષ દરમ્યાન તાલીમ વર્ગો, શિબિરો, વિવિધ ઉત્સવોનું આયોજન મેડિકલ કેમ્પ સહિતના આયોજનો જેવી સેવાકિય પ્રવૃતિઓ કરે છે. આ ઉપરાંત આ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે અંતિમ રથની સેવા પણ કાર્યરત છે. આ બધી જ પ્રવૃતિઓના કેન્દ્રમાં વ્યકિત વિકાસ સમાજ સેવાથી સાથે -સાથે આપણા બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસામાં જતન પણ મુખ્ય ધ્યેય હોય જેને ધ્યાને લઇ ગુજરાતની આગવી ઓળખ સમાન રાસગરબાના ભવ્ય વારસાના જતન માટે છેલ્લા ઘણા વર્ષોથી સરગમ નવરાત્રિ મહોત્સવનુ આયોજન ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રાચિન-અર્વાચીન પરંપરા અનુસાર 160 જેટલી જગદંબા સ્વરૂપ દિકરીઓ માઁ ની આરાધના કરે છે.
આ વર્ષે પણ લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 3 થી 12 ઓકટોબર સુધી રાત્રે 8-30 થી 12 વાગ્યા સુધી પ્રદર્શન ગ્રાઉન્ડ સાત રસ્તા પાલે જામનગર ખાતે સરગમ નવરાત્રિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 60 x 60 ફુટના વિશાળ સ્ટેજ પર 160 જેટલી દિકરીઓ વિવિધ રાસગરબા રજુ કરી રહી છે. જેમાં ડાકલા, મેલડી, હાલાજી તારા હાથ વખાણુ સહિતના અનેકવિધ રાસો દર્શકોનું મન મોહી લીધું હતું.
સરગમ નવરાત્રિ મહોત્સવ 2024ને સફળ બનાવવા લોટસ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભરતભાઇ ઢોલરિયા, શેલેષભાઇ પટેલ, બિપીનભાઇ સોરઠિયા, જમનભાઇ બાબિયા, સંજયભાઇ સુદાણી, અરવિંદભા કોડિનારિયા, હેમતભાઇ દોમડિયા તેમજ નવરાત્રિ કન્વીનર તરીકે રાજનભાઇ મુંગરા, કિશોરભાઇ સંઘાણી, રાજેશભાઇ મુંગરા, વિનોદભાઇ દોમડિયા, નયનભાઇ સોરઠિયા, ધિરેનભાઇ સાવલીયા તથા વિવિધ વ્યવસ્થા કમિટીના ચેરમેન તથા ટીમો જહેમત ઉઠાવી રહી છે.