જામનગર શહેરના ગુલાબનગર રાજપાર્ક વિસ્તારમાં રહેતી યુવતીને તેણીના લગ્નજીવન દરમિયાન સાસુ-સસરાના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુલાબનગર રાજપાર્ક પાસેના રમણપાર્કમાં સાંઈબાબાના મંદિરની બાજુમાં રહેતી તેજલબેન કમલેશભાઈ રાઠોડ (ઉ.વ.20) નામની પરિણીતા યુવતીને તેણીના લગ્નજીવનના બે વર્ષ દરમિયાન સાસુ હંસાબેન નાનજીભાઇ બગડા અને સસરા નાનજીભાઇ પાલાભાઈ બગડા નામના બંને વ્યક્તિઓ દ્વારા શારીરિક-માનસિક દુ:ખ ત્રાસ આપી ગાળો કાઢતા હતાં. સાસુ સસરાના અસહય ત્રાસથી કંટાળીને યુવતીએ તેણીના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ પી આર કારાવદરા તથા સ્ટાફે યુવતીના નિવેદનના આધારે તેણીના સાસુ-સસરા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.