ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જામનગરની મુલાકાતે આવ્યા હતાં અને પૂર અસરગ્રસ્ત લોકોને મળી તેમની સાથે વાતચીત કરી લોકોની સમસ્યા જાણી હતી, સાંભળી હતી. નદીના વ્હેણ આડે દબાણ અને વરસાદી પાણીના નિકાલનો અભાવ હોવાનો આક્ષેપ કરી આ અંગે તપાસ કરાવવાની માગ કરી હતી.
ગત સપ્તાહ દરમિયાન જામનગર શહેર જિલ્લામાં થયેલ મેઘકહેરના કારણે નદી-નાળાઓમાં પૂર આવ્યા હતાં. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે શહેરમાંથી પસાર થતી રંગમતિ-નાગમતિ નદીમાં ઘોડાપૂર આવ્યા હતાં. જેના પરિણામે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. જામનગરમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી જતાં લોકોને ભારે નુકસાની પહોંચી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અતિવૃષ્ટિગ્રસ્ત જામનગર શહેરની મુલાકાત લીધી હતી. તેમણે જામનગર શહેરમાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વોર્ડ નં. 16, 12, 4, 2, 1 સહિતના વોર્ડના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને લોકોને મળી સમસ્યાઓ જાણી હતી.
તેમણે જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં મુલાકાત કરી તેમાં નાના એવા ઘરમાં એક માળ સુધી પાણી ઘુસી ગયું હતું. લોકો પાસે કશુ જ બચ્યું નથી. જામનગરમાં સહાય માટે ફોર્મનું વિતરણ થઇ રહ્યું છે. ત્યારે જેમના જનાવર તણાયા તેના માટે કોઇ જોગવાઇ નથી અને જે સહાય જાહેર થઇ છે. તેમાં કોઇ પરિવારનો હિત થઇ શકે તેમ નથી. તેમની આ મુલાકાત દરમિયાન જામ્યુકો વિપક્ષી નેતા ધવલ નંદા, પૂર્વ સાંસદ વિક્રમ માડમ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી સારાહબેન મકવાણા, કોર્પોરેટર જેનમબેન ખફી, અલ્તાફ ખફી, રચનાબેન નંદાણિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.