જામનગર એસીબીએ રાજકોટ પંચાયત પોલીસ ચોકીના પોલીસ કોન્સ્ટેબલ તથા એક ખાનગી શખ્સને અરજીની તપાસમાં હેરાન પરેશાન નહીં કરવા પેટે રૂા. 25000 ની લાંચ લેતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પંચાયત ચોકીમાં ફરિયાદી વિરૂધ્ધ અરજી થઈ હતી જે અરજી માટે પંચાયત પોલીસ ચોકીના પોલીસ કોન્સ્ટેબલ વિપુલ શાર્દુળ ઓળકીયાએ ફરિયાદીને પોલીસ ચોકીએ બોલાવ્યા હતાં. અને ખાનગી વ્યક્તિ ભાવિન મગન રુઘાણીની હાજરીમાં ફરિયાદી પાસે આ અરજી તપાસમાં હેરાન પરેશાન નહીં કરવાના અવેજપેટે રૂા.25000 ની લાંચની માંગણી કરી હતી અને આ લાંચની રકમ આરોપી ભાવિન રુઘાણીને આપવા જણાવ્યું હતું. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય. ફરિયાદીએ જામનગર એસીબીનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા રાજકોટ એસીબીના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવીઝન હેઠળ જામનગર એસીબીના પીઆઈ આર.એન. વિરાણી સહિતના સ્ટાફ દ્વારા છટકુ ગોઠવી રાજકોટના સાધુ વાસવાણી રોડ પંચાયત પોલીસ ચોકી પાસેથી આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિપુલ શાર્દુળ ઓળકીયા તથા ભાવિન મગન રુઘાણીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.25,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતાં.