જામનગર શહેરમાં પંચેશ્વરટાવર પાસે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાતી વન-ડે ક્રિકેટ મેચમાં જૂગાર રમાડતા શખ્સને સિટી એ ડીવીઝન પોલીસે રૂા.5550 ના મુદ્દામાલ સાથે અને દિ.પ્લોટ 58માંથી એક શખ્સને રૂા.3750 ના મુદ્દામાલ સાથે તેમજ 61 દિ.પ્લોટમાંથી શખ્સને રૂા.2750 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ક્રિકેટના જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના પંચેશ્વરટાવર પાસે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાતી વનડે ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે પીઆઇ એન.એ. ચાવડા તથા સ્ટાફે રેઈડ દરમિયાન કમલેશ ઉર્ફે કલ્પો બાબુ ચાવડા નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા.550 ની રોકડ રકમ અને એક મોબાઇલ ફોન મળી કુલ રૂા.5550 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા અમદાવાદના વિનીત પટેલની સંડોવણી ખુલતા પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરના દિ.પ્લોટ 58 વિસ્તારમાંથી અશોક મનજી નંદા નામના શખ્સને ભારત અને શ્રીલંકા વચ્ચે રમાતા મેચના જીવંત પ્રસારણ ઉપર ક્રિકેટનો જૂગાર રમાડતા ઝડપી લઇ તેની પાસેથી રૂા.2000 ની કિંમતનો ફોન અને રૂા.1750 ની રોકડ રકમ સહિત કુલ રૂા.3750ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
ત્રીજો દરોડો, જામનગર શહેરના દિ.પ્લોટ 61 વિસ્તારમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાતા મેચના પ્રસારણ ઉપર ક્રિકેટનો જૂગાર રમાડતા નરેશ શોભરાજ કતિયારા નામના શખ્સને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.750 ની રોકડ રકમ અને 2000 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.2750 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.