જામનગર તાલુકાના દરેડ ગામમાં એફસીઆઈ ગોડાઉન પાસે એલસીબીની ટીમે દારૂનો કેસ કર્યાના પ્રકરણમાં થયેલા નુકસાનની રકમ આપવાની ના પાડતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ પૂર્વ આયોજીત કાવતરુ રચી લોખંડના પાઈપ વડે અને છરી વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં એફસીઆઈ ગોડાઉન સામે રહેતા નીતિન ઉર્ફે લાલો જીવા ગોરડીયા નામના યુવાનના ભાઈ પરેશનો મિત્ર રોહિત ઉર્ફે ઝીંઝોલો ત્રિવેદી નામના શખ્સને એલસીબીએ ઝડપી લઇ દારૂનો કેસ કર્યો હતો. જેમાં 35000 રૂપિયાનું નુકસાન થયું હતું. આ રૂપિયા ચૂકવવા માટે આશિષ ગંઢા નામના શખ્સે નીતિનના ભાઈને રૂપિયા આપવા દબાણ કરતા હતાં. પરંતુ, નીતિન તથા તેનો ભાઈ આ રૂપિયા આપતા ન હોવાથી મનમાં ખાર રાખી પૂર્વ આયોજીત કાવતરુ રચી આશિષ ગંઢા, હર્ષ ગંઢા અને અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ રવિવારે સાંજના સમયે નીતિન ઉર્ફે લાલા નામના યુવાનને આંતરીને ગાળાગાળી કરી જાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો. અને ત્રણેય શખ્સોએ લોખંડના પાઈપ તથા છરી વડે નીતિન ઉપર હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.
હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે એસસીએસટી સેલના ડીવાયએસપી દ્વારા નીતિનના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.