Friday, December 27, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા: એક જ પરિવારના દાદી-પૌત્રીઓના અકાળે મૃત્યુ બાદ એક સાથે અર્થી ઉઠતા...

ખંભાળિયા: એક જ પરિવારના દાદી-પૌત્રીઓના અકાળે મૃત્યુ બાદ એક સાથે અર્થી ઉઠતા ભારે ગમગીની

મોડી રાત્રી સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન પછી પણ ત્રણ જીવને બચાવી ન શકાયા

- Advertisement -

ખંભાળિયામાં મેઈન બજાર વિસ્તારમાં આવેલા રાજડા રોડ (ગગવાણી ફળી) ખાતેના એક જુના અને જર્જરિત મકાનનો બે માળનો ભાગ મંગળવારે સાંજે ધડાકાભેર ધરાશાયી થઈ જતા આ મકાનમાં ફસાયેલા સાત જેટલા વ્યક્તિઓ પૈકી એક વૃદ્ધા તેમની પૌત્રીઓ એવી તેમજ બે સગી બહેનોને બચાવવા માટે તંત્ર દ્વારા ગતમોડી રાત્રી સુધી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ લાંબી જહેમત પછી પણ દાદી-પૌત્રીઓના નિષ્પ્રાણ દેહ જ સાંપળ્યા હતા. આશરે સવાસો વર્ષ જૂના આ મકાનના કાટમાળને દૂર કરવા તેમજ ફસાયેલાઓને બચાવવા માટે મંગળવારે મોડી રાત્રી સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. આ કરુણ બનાવે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી પ્રસરાવી છે.

- Advertisement -

ખંભાળિયા સહિત સમગ્ર વિસ્તારમાં ચકચારી બની ગયેલા બનાવમાં શહેરની મધ્યમાં આવેલી મુખ્ય બજાર નજીક રાજડા રોડ પાસેના ગગવાણી ફળી વિસ્તારમાં આવેલા એક મુંબઈ સ્થિત ભાટીયા સદગૃહસ્થના માલિકીના આશરે સવા સદી જૂના મકાનમાં એક દલવાડી પરિવારના 11 જેટલા સભ્યો રહેતા હતા. મંગળવારે સાંજે આશરે પાંચેક વાગ્યાના સમયગાળા દરમિયાન છેલ્લા બે ત્રણ દિવસના અવિરત વરસાદના કારણે જર્જરીત બની ગયેલા આ રહેણાંક મકાનમાં બપોરના સમયે લાકડાના આડસરનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો અને પરિવારજનો દ્વારા તેને રીપેરીંગની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ સાંજના સમયે મહિલાઓ, બાળકો તેમજ પુરુષો ઘરે હતા તે સમયે જ પાછળનો બે માળનો ભાગ ધડાકાભેર જમીન દોસ્ત થઈ ગયો હતો.

આ સમયે ઘરમાં રહેલા સાત જેટલા સભ્યો પૈકી ચાર સભ્યો સફળતાપૂર્વક બહાર નીકળી ગયા હતા. જે પૈકી આશરે સાતેક વર્ષની બાળાને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ મકાનમાં રહેતા કેસરબેન જેઠાભાઈ કણજારીયા નામના 65 વર્ષના વૃદ્ધા તેમજ પાયલબેન અશ્વિનભાઈ કણજારીયા (ઉ.વ. 19) અને પ્રીતિબેન અશ્વિનભાઈ કણજારીયા (ઉ.વ. 13) ને ફસાઈ ગયેલી હાલતમાં અહીંથી બહાર કાઢવા માટે નગરપાલિકા બાદ મોડી સાંજે એનડીઆરએફની ટીમનું પણ અત્રે આગમન થયું હતું. આ સ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, સેવાભાવી કાર્યકરો પહોચી ગયા હતા.

- Advertisement -

દુર્ઘટનાગ્રસ્ત મકાન ખૂબ જ ગીચ જગ્યામાં આવેલું હોય, નગરપાલિકા તંત્ર દ્વારા વચ્ચે આવતા દુકાનોના ઓટલા તેમજ દીવાલો તોડીને રાહત બચાવ કામગીરી કરવામાં આવી હતી. મોરચો સંભાળીને જે.સી.બી. સહિતના સાધનોથી સુસજ્જ એનડીઆરએફની ટીમના જવાનોએ અવિરત રીતે જહેમત હાથ ધરી, દિવાલ તેમજ નડતરરૂપ કાટમાળને ખસેડ્યો હતો. અકસ્માતના શરૂઆતના કલાક-દોઢ કલાકમાં વૃદ્ધા તેમજ તેમની પૌત્રીઓનો બચાવ માટે અવાજ સાંભળવા મળ્યો મળતો હતો. પરંતુ થોડો સમય પછી આ અવાજ સંભળાતો બંધ થઈ ગયો હતો.

વર્ષો અગાઉ રાજડા બાલમંદિરનું આ મકાન ધરાશાયી થયાનો બનાવ બનતા પ્રાંત અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતકુમાર વ્યાસ તેમજ પાલિકાના પ્રમુખ – સત્તાવાળાઓ, મામલતદાર વિક્રમ વરુ, પી.આઈ. સરવૈયા સહિતનો કાફલો આ સ્થળે દોડી ગયો હતો. દુર્ઘટના સ્થળે પોલીસ દ્વારા સધન બંદોબસ્ત અને વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. જે દરમિયાન નાયબ કલેક્ટર કે.કે. કરમટા, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ વિગેરેની સતત ઉપસ્થિતિ વચ્ચે ચાલુ વરસાદે એન.ડી.આર.એફ.ના સધન રેસ્ક્યુ ઓપરેશનમાં સૌ પ્રથમ રાત્રે 10:30 વાગ્યે કેસરબેનનો ત્યાર બાદ આશરે 11:30 વાગ્યે પ્રીતિબેનનો અને આશરે 12:15 વાગ્યે પાયલબેનનો નિષ્પ્રાણ દેહ આ કાટમાળ વચ્ચેથી દબાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ત્રણેય મૃતદેહને અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

મકાનમાં ફસાયેલા ત્રણ પરિવારજનોને બચાવવા માટે સધન રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ માટે આ વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી અને જે.સી.બી.ની મદદથી કાટમાળ ખસેડવાની પ્રક્રિયા લાંબો સમય ચાલી હતી. ઘટના સ્થળે ઇમરજન્સી 108 સહિતનો સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular