કાલાવડ તાલુકાના મછલીવાડ ગામની સીમના વાડી વિસ્તારમાં રહેતાં આદિવાસી શ્રમિક યુવાનનો પુત્ર રમતા રમતા પાણીના ખાડામાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું. કરૂણતા એ છે કે બાળકની માતાએ પાંચ દિવસ પહેલાં ઝેરી દવા પી આપઘાતના પ્રયાસ બાદ રવિવારે મોત નિપજ્યું હતું. આમ માતા અને પુત્રના 24 કલાક દરમિયાન બંનેના મોત નિપજતા પરિવાર ઉપર આભ ફાટયા જેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી.
બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના જામ્બુવા જિલ્લાના ફળકુઇ ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના મછલીવાડ ગામની સીમમાં આવેલા ખેતરમાં મજુરી કામ કરતા પ્રકાશ જાંબુડાભાઈ મેડા નામના યુવાનની પત્ની પાર્વતીબેનને એક વર્ષથી છાતીમાં દુ:ખાવો રહેતો અને સારવાર છતાં દુ:ખાવો ઓછો ન થવાથી જિંદગીથી કંટાળીને ગત તા.16 ના રોજ તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તે દરમિયાન શનિવારે સાંજના સમયે વાડી વિસ્તારમાં જ સારવારમાં લઇ રહેલી પાર્વતીબેનનો પુત્ર આનંદ પ્રકાશ મેડા (ઉ.વ.5) નામનો બાળક જમીનના સેઢે રમતા રમતા વરસાદી પાણીના ખાડામાં પડી જતાં ડુબી જવાથી બેશુદ્ધ થઈ જતાં કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું.
આ બનાવ અંગે અતુલભાઈ દ્વારા જાણ કરાતા હેકો જી.આર. ચાવડા તથા સ્ટાફે બાળકના મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી. દરમિયાન બાળકના મૃત્યુના બીજા દિવસે રવિવારે સારવારમાં રહેલી મૃતક બાળકની માતા પાર્વતીબેનનું પણ મોત નિપજ્યું હતું. આમ 24 કલાક દરમિયાન માતા અને પુત્રના મોત નિપજતા પરિવાર પર આભ ફાટયા જેવી સ્થિતિ થઈ ગઈ હતી.