કલ્યાણપુર તાલુકાના ચુર ગામે મંગળવારે એક શ્રમિક પરિવારની દોઢ વર્ષની માસુમ બાળકીને ઝેરી સર્પે દંશ દેતા તેણીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે કલ્યાણપુર નજીક આવેલા ચુર ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા ખેરસિંગ અજનાર નામના શ્રમિક યુવાનની દોઢ વર્ષની માસુમ બાળકી પ્રિયંકા મંગળવારે સાંજના સમયે તેના ઘરની બહાર રમી રહી હતી, ત્યારે અહીં રહેલા એક ઝેરી સાપે તેણીને દંશ દેતા આ માસુમ બાળકીને મૂર્છિત હાલતમાં ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત્યુ પામેલી જાહેર કરી હતી. માસુમ બાળકીના અપમૃત્યુના આ કરૂણ બનાવથી શ્રમિક પરિવારજનોમાં કાળો કલ્પાંત જોવા મળ્યો હતો.
હાલ ચોમાસાની ઋતુમાં ઝેરી જનાવર તેમજ જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે. ત્યારે સર્પદંશના કારણે થયેલા મૃત્યુના આ બનાવે લોકોમાં ભય સાથે અરેરાટી પ્રસરાવી છે.