જામનગર તાલુકાના ધોરીવાવ ગામ નજીકની ગોલાઈ ઉપર ગુરૂવારે રાત્રિના સમયે કાર અને રીક્ષા વચ્ચે થયેલા અકસ્માતનો ખાર રાખી ત્રણ અજાણ્યા શખ્સોએ કારચાલક સહિતના બે વ્યક્તિઓને ગાળો કાઢી લાકડાના ધોકા વડે હુમલો કરી ઢીકરાપાટુનો માર માર્યો હતો તેમજ આ અકસ્માતના બનાવમાં અજાણ્યા શખ્સોએ કારને સળગાવી નાખી હોવાની ઘટનામાં પોલીસે તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ગુરૂવારે રાત્રિના સમયે જામનગર તાલુકાના ધોરીવાવ ગામમાં આવેલી ગોલાઈ પરથી પસાર થતી જીજે-10-ડીએન-3716 નંબરની કાર અને સામેથી આવતી સીએનજી રીક્ષા અથડાતા અકસ્માતમાં ત્રણથી ચાર જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ અકસ્માતનો ખાર રાખી ત્રણ અજાણ્યા શખ્સોએ કાર ચાલક જીતભાઈ ભોજાણી નામના વેપારી યુવાન અને તેની સાથે રહેલા વ્યક્તિને જેમ ફાવે તેમ ગાળો કાઢી માર માર્યો હતો અને ત્યારબાદ લાકડાના ધોકા વડે માર મારી ઢીકાપાટુનો માર માર્યો હતો. આમ ત્રણ શખ્સોએ હુમલો કરી બે વ્યક્તિઓને ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ અકસ્માત સ્થળે પડેલી કાર કોઇ અજાણ્યા શખ્સોેએ સળગાવી નાખી હતી. હેકો ડી.જી. ઝાલા તથા સ્ટાફે જીતના નિવેદનના આધારે અકસ્માતનો ખાર રાખી હુમલો કર્યાનો તથા અજાણ્યા શખ્સોએ કાર સળગાવી નાખ્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.