દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “નશા મુક્ત ભારત” અભિયાન તથા જાગૃતિના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા વ્યસન મુક્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા તથા સ્ટાફ દ્વારા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં આ અંગેની કામગીરી કરવામાં આવી હતી.
તારીખ 12 જૂનથી તારીખ 26 જૂન સુધી તમામ વિસ્તારોમાં યોજવામાં આવેલા વ્યસન મુક્તિ અભિયાન તથા જાગૃતિ અંગેના આ કાર્યક્રમમાં પોલીસ તંત્ર દ્વારા માદક પદાર્થના ઉપયોગ તથા હેરાફેરીથી થતી આડ અસરો લોકોમાં બાબતે જાગૃતિ કેળવાય તેવા આશયથી તેમજ નશીલા પદાર્થોથી થતી બરબાદી અંગે તથા યુવા ધન ગેરમાર્ગે ન દોરવાય તે હેતુથી ખંભાળિયા તાલુકાના સલાયા ગામની સરકારી શાળાઓમાં “ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા” “સે યસ ટુ લાઈફ – નો ડ્રગ ટુ ડ્રગ્સ” ની થીમ હેઠળ આ શાળાઓમાં સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખંભાળિયા શહેરમાં પણ જાહેર સ્થળોએ આ અંગેના પોસ્ટરો તેમજ બેનરો લગાવી અને સોશિયલ મીડિયામાં માધ્યમથી વ્યસન મુક્તિ અંગેની જુદી જુદી બાબતો શેર કરવામાં આવી હતી.
આમ, યુવાનો તેમજ ગ્રામજનો વચ્ચે માદક દ્રવ્યોની સમજણ તથા જાગૃતિ ફેલાવવા અંગે પોલીસ તંત્ર દ્વારા જુદા જુદા સ્થળોએ આયોજનો કરાયા હતા.