પાવાગઢમાં જૈનોના 22મા તિર્થંકર નેમિનાથદાદા તથા અન્ય મૂર્તિઓને ખંડિત કરવાની ઘટનાને લઇ જૈન એકટીવ ગ્રુપ ઓનલી જામનગર દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી આ અંગે કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, પાવાગઢમાં જૈનોના 22મા તિર્થંકર શ્રી નેમિનાથદાદા તથા અન્ય મૂર્તિઓને ખંડિત કરી તેને હટાવી દેવાની જે ઘટના બની છે જેને લઇ જૈન સમાજ દુ:ખ અને આઘાતની લાગણી અનુભવી રહ્યો છે. જૈનોની શ્રધ્ધા અને આસ્થા સમાન તિર્થંકર ભગવાનની મૂર્તિઓને તોડવાની ઘટનાને લઇ ભારતભરમાંથી વિરોધનો વંટોળ શરૂ થયો છે. આથી આ અંગે કડક કાર્યવાહી કરી આ બનાવમાં સંકળાયેલા તમામ સામે કડક કાર્યવાહીની માંગણી ઉઠી છે. આ ઉપરાંત તાજેતરમાં ભરૂચ પાસે જૈન સાધ્વીજી ઉપર હુમલાનો બનાવ બન્યો છે તેમજ 15 દિવસ પહેલાં હૈદરાબાદ પાસે કહેવાતા અકસ્માતના બનાવમાં પણ જૈન સાધુ-ભગવંતો તથા અન્ય વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે આ બાબતની પણ તપાસ કરવા માંગણી કરવામાં આવી છે. જૈન એકટીવ ગ્રુપ ઓનલીના કન્વીનર નીતિન સોલાણી સહિતના દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.