જામનગર મહાનગરપાલિકાની પ્રાથમિક શાળાઓના 10 જેટલા શિક્ષકોને ચાલુ નોકરીએ ઉચ્ચ શિક્ષણ મેળવવામાં આવ્યું હોય નિયમો નેવે મુકતા આ અંગે નોટીસ ફટકારી ખુલાસો પૂછવામાં આવતાં ખળભળાટ મચ્યો છે. સમય મર્યાદામાં જો આ અંગે તેઓ દ્વારા ખુલાસા નહીં થાય તો નિયમાનુસાર કાર્યવાહી થઇ શકે છે.
જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકોને શાસનાધિકારીએ નોટીસ ફટકારી છે. જે મુજબ વર્ષ 2000થી વર્ષ 2020 સુધીના સમય દરમિયાન ચાલુ નોકરીના સમય દરમિયાન શિક્ષકોએ ઉચ્ચ અભ્યાસ કર્યો હોવાની વિગતો સામે આવી હતી. આ શિક્ષકોએ ફૂલટાઇમ નોકરી કરવા છતાં વિવિધ કોલેજોમાં ડિગ્રી મેળવવા માટે ઉચ્ચ અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું. શિક્ષકોએ એવી બાહેંધરી આપી હતી કે, આ અભ્યાસથી તેમની નોકરીમાં વિક્ષેપ નહીં પડે અને વિદ્યાર્થીઓના અભ્યાસને અસર નહીં પડે. માત્ર બાહેંધરીથી ઉચ્ચ અભ્યાસ કરવો નિયમ વિરુધ્ધ છે.
આ શિક્ષકોએ હેડ ક્વાર્ટર છોડીને ઉચ્ચ અભ્યાસ કર્યો છે. જેની મંજૂરીઓ મેળવી હોય તેના આધાર આપ્યા નથી. બંને સ્થળોમાંથી કયા સ્થળે હાજર રહ્યા તથા હેડ ક્વાર્ટર છોડવાની મંજૂરી સહિતની બાબતો અંગે તા. 20 જૂન સુધીમાં લેખિત ખુલાસા માટેની આખરી નોટીસ અપાઇ છે. જે શિક્ષકોને નોટીસ આપવામાં આવી છે. તેમાં રંજનબેન નકુમ, હરેશભાઇ ચાવડા, હેતલબેન રાડીયા, બીનાબેન પોપટ, પારુલબેન હેરભા, રીનાબેન રાજકોટીયા, મિતુલબેન પીઠીયા, જયદેવસિંહ પરમાર, દક્ષાબેન બગરીયા, નયનાબેન મારવાણીયાને નોટીસ આપી જવાબ માગવામાં આવ્યો છે.